News of Friday, 24th October 2025
'સંજય દત્તે જાણ કરી હોત તો મુંબઈ બૉમ્બબ્લાસ્ટ રોકી શકાયા હોત!'- પૂર્વ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જ્વલ નિકમનો મોટો ખુલાસો
યુટ્યુબર સાથેની વાતચીતમાં ચર્ચિત વકીલની કબૂલાત: સંજય દત્તને હથિયારોનો શોખ હતો, પણ બ્લાસ્ટની માહિતી નહોતી; આ વર્ષે રાજ્યસભા માટે નામાંકિત થયા હતા.

નવી દિલ્હી: ૧૯૯૩ના મુંબઈ બૉમ્બધડાકા કેસમાં સરકાર તરફથી કેસ લડનાર ચર્ચિત પૂર્વ પબ્લિક પ્રોસિક્યુટર અને રાજ્યસભાના સભ્ય ઉજ્જ્વલ નિકમે બોલીવૂડ અભિનેતા સંજય દત્તને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક યુટ્યુબર સાથેની વાતચીતમાં નિકમે જણાવ્યું કે, જો સંજય દત્તે સમયસર પોલીસને જાણ કરી દીધી હોત, તો મુંબઈ પર થયેલા આતંકી હુમલાઓને રોકી શકાયા હોત.
ઉજ્જ્વલ નિકમે સ્પષ્ટતા કરી કે, સંજય દત્તને ૧૯૯૩ના મુંબઈ બૉમ્બબ્લાસ્ટ વિશે કોઈ માહિતી નહોતી. નિકમ અનુસાર, "સંજય દત્તને ફક્ત હથિયારોનો શોખ હતો." આ શોખના કારણે જ તેઓ ગેરકાયદેસર હથિયારો રાખવાના કેસમાં ફસાયા હતા.
નિકમે ભારપૂર્વક જણાવ્યું કે, જો સંજય દત્તે માત્ર પોતાના હથિયારો વિશે જ પોલીસને જણાવી દીધું હોત, તો પોલીસને આંતકવાદીઓ વિશે મહત્ત્વની કડી મળી ગઈ હોત, જેના થકી મુંબઈમાં થયેલા આ ભયાનક બૉમ્બબ્લાસ્ટ રોકી શકાયા હોત.
ઉલ્લેખનીય છે કે, ઉજ્જ્વલ નિકમને આ વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કર્યા છે. તેઓ ૨૦૨૪માં ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા. ૧૯૯૩ના મુંબઈ બૉમ્બધડાકાથી લઈને મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ઘણા મહત્ત્વના કેસમાં નિકમે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
