News of Friday, 24th October 2025
'દિલ વિધાઉટ બિલ' મિશનની પ્રશંસા : એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી અને નિવૃત્ત ન્યાયાધીશ શ્રી કલ્પેશ ઝવેરીએ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી
મહાનુભાવોએ હોસ્પિટલના વિસ્તરણ કાર્યો અને નર્સિંગ કોલેજના બાંધકામ સાઇટનું નિરીક્ષણ કર્યું : મફત હૃદયની સર્જરી કરાવનાર ચાર બાળકોને આશીર્વાદ આપ્યા : છેલ્લા ૨૫ વર્ષથી દેશની ૬૦% વસ્તીના હજારો દર્દીઓને વિનામૂલ્યે જીવનદાન

અમદાવાદ : અમદાવાદ સ્થિત શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે આજે ગુજરાતના કાયદા અને ન્યાય ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ વિશેષ મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી અને માનનીય ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રી કલ્પેશ ઝવેરી એ હોસ્પિટલના વિસ્તરણ કાર્યો, ભવિષ્યની યોજનાઓ અને 'દિલ વિધાઉટ બિલ' ના માનવતાવાદી અભિગમને ઊંડાણપૂર્વક સમજ્યો હતો.
મહાનુભાવોએ હોસ્પિટલના મુખ્ય બિલ્ડિંગ પર ચાલી રહેલા છ ઓપરેશન થિયેટર અને ત્રણ સર્જિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ્સની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે હાલ ફાઉન્ડેશન સ્ટેજ પર ચાલી રહેલી શ્રી સત્ય સાઈ અંબુજા નર્સિંગ કોલેજની બાંધકામ સાઇટનું પણ નિરીક્ષણ કર્યું હતું.
સફળ સર્જરી બાદ બાળકોને આશીર્વાદ:
આ ખાસ પ્રસંગે શ્રી કમલ ત્રિવેદી અને શ્રી કલ્પેશ ઝવેરીએ ચાર એવા બાળકોને આશીર્વાદ આપ્યા, જેમણે હોસ્પિટલમાં મફત હૃદયની સર્જરી સફળતાપૂર્વક કરાવી હતી. આ બાળકોના ચહેરા પર નવી ખુશી અને જીવનની નવી આશા સ્પષ્ટ જોવા મળી હતી. હોસ્પિટલની આ માનવતાવાદી પહેલ હેઠળ હૃદયની સારવાર દરેક જરૂરતમંદ માટે સંપૂર્ણપણે મફત પ્રદાન કરવામાં આવે છે.
માનવતાના કાર્યને ઝડપી પૂર્ણ કરવા પર ભાર:
બંને મહાનુભાવોએ હોસ્પિટલના વિસ્તરણ અને ભાવિ યોજનાઓની મુક્તપણે પ્રશંસા કરી હતી, સાથે જ આ કાર્યને ઝડપથી પૂર્ણ કરવાની મહત્તા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ કામગીરી પૂરી થવાથી હોસ્પિટલની સેવા અને માનવતાપ્રેમનો સંદેશો દૂરદૂર સુધી ફેલાશે, અને ભારતભરના જરૂરતમંદ દર્દીઓને હૃદય સંબંધિત સહાય મળશે.
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ – રાજકોટ અને અમદાવાદ, છેલ્લા ૨૫ વર્ષથી આરોગ્ય સેવા ક્ષેત્રે માનવતાની અનોખી સુગંધ ફેલાવી રહી છે. આ હોસ્પિટલ દ્વારા દેશના વિવિધ રાજ્યો – ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ, આસામ, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને લેહ-લદ્દાખ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેના આધારે ત્યાંના હૃદયરોગી દર્દીઓને અહીં સંપૂર્ણપણે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ગુજરાતની આ બે હોસ્પિટલોએ અત્યાર સુધી ભારતના તમામ રાજ્યોમાંથી આવેલા અને દેશની કુલ વસ્તીના ૬૦% થી વધુ ભાગમાંથી આવેલા હજારો દર્દીઓને જીવનદાન આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
