<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

સાઇબર ખતરો: ગૂગલ ક્રોમ બ્રાઉઝર માં ગંભીર ખામી: સીઈઆરટી–ઈન એ આપી 'હાઇ રિસ્ક' ચેતવણી: તાત્કાલિક બ્રાઉઝર અપડેટ કરવાની સલાહ આપી છે*

ગૂગલે આ ખામીઓને દૂર કરવા માટે સુરક્ષા પેચ (સિક્યુરિટી પેજ) બહાર પાડી દીધા છે.

અમદાવાદ: દુનિયાના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમ માં ગંભીર સુરક્ષા ખામીઓ સામે આવી છે, જેના કારણે કરોડો યુઝર્સનો ડેટા જોખમમાં મુકાયો છે. ભારતની સાઇબર સુરક્ષા એજન્સી ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી–ઈન) એ આ ખામીઓને 'હાઇ રિસ્ક' તરીકે જાહેર કરીને યુઝર્સને તાત્કાલિક બ્રાઉઝર અપડેટ કરવાની સલાહ આપી છે.

શું છે ખતરો?

 

સીઈઆરટી–ઈન ની ચેતવણી અનુસાર, આ ખામીઓનો ફાયદો ઉઠાવીને સાયબર હુમલાખોરો યુઝરની સિસ્ટમ્સને ટાર્ગેટ કરી શકે છે.

 

 * ડેટા ચોરી અને કમાન્ડ: હુમલાખોરો યુઝરને દૂષિત (મેલિસિયસ) વેબસાઇટ પર રિડાયરેક્ટ કરીને તેની સિસ્ટમ્સ પર તેની મરજી મુજબ કોઈપણ કમાન્ડ આપી શકે છે અને માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે.

 

 * સિસ્ટમ્સ ક્રેશ: ડેટા ચોરી ઉપરાંત, ઘણા કિસ્સાઓમાં અટેકર્સ સિસ્ટમ્સને ક્રેશ કરીને તેનું કામ બંધ કરી શકે છે.

 

 * ટેક્નિકલ વિગતો: ક્રોમ બ્રાઉઝરના વી–૮ જાવાસ્ક્રિપ્ટ એન્જિન માં આ ખામી મળી આવી છે, જેને સીવીઈ-૨૦૨૫-૧૨૦૩૬ નંબરથી ચિહ્નિત કરવામાં આવી છે. આ ખામીને લીધે ટાઇપ– કન્ફ્યુઝન' જેવી સમસ્યાઓ સર્જાય છે, જે હેકર્સને સિસ્ટમ્સ ની મેમરીમાં અનધિકૃત રીતે કોડ રન કરવાની મંજૂરી આપી શકે છે.

 

કયા યુઝર્સ સૌથી વધુ જોખમમાં?

સીઈઆરટી–ઈન એ ચેતવણી આપી છે કે વિન્ડોઝ, મેકઓએસ અને લાઇનક્સ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ક્રોમનો ઉપયોગ કરતા એવા યુઝર્સ કે જેમણે બ્રાઉઝરને તાજેતરમાં અપડેટ કર્યું નથી, તેઓ જોખમમાં છે.

 

વિન્ડોઝ: ૧૪૧.૦.૭૩૯૦.૧૨૨/.૧૨૩ થી જૂના વર્ઝન 

 

મેકઓએસ: ૧૪૧.૦.૭૩૯૦.૧૨૨/.૧૨૩ થી જૂના વર્ઝન 

 

લાઇનક્સ:૧૪૧.૦.૭૩૯૦.૧૨૨ થી જૂના વર્ઝન 

 

(નોંધ: સીઈઆરટી–ઈન દ્વારા અગાઉના અન્ય વર્ઝન માટે પણ ચેતવણીઓ આપવામાં આવેલી છે, તેથી યુઝર્સે હંમેશા લેટેસ્ટ વર્ઝનનો જ ઉપયોગ કરવો.)

 

યુઝર્સે શું કરવું?

સીઈઆરટી–ઈન એ તમામ યુઝર્સને તેમની સિસ્ટમ અને ડેટાને સુરક્ષિત રાખવા માટે ગૂગલ ક્રોમ ને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી છે. ગૂગલે આ ખામીઓને દૂર કરવા માટે સુરક્ષા પેચ (સિક્યુરિટી પેજ) બહાર પાડી દીધા છે.

 

અપડેટ કરવાની સરળ રીત:

૧. ગૂગલ ક્રોમ ઓપન કરો.

૨. ઉપર જમણી બાજુએ આપેલા ત્રણ ટપકાં (થ્રી ડોટ્સ) વાળા મેનુ પર ક્લિક કરો.

૩. હેલ્પ' માં જાઓ અને પછી અબાઉટ ગૂગલ ક્રોમ' પર ક્લિક કરો.

૪. બ્રાઉઝર આપોઆપ અપડેટ્સ ચેક કરશે અને જો કોઈ પેન્ડિંગ અપડેટ હશે તો તેને ઇન્સ્ટોલ કરવાનું શરૂ કરશે.

૫. અપડેટ ઇન્સ્ટોલ થયા પછી, ફેરફારો લાગુ કરવા માટે બ્રાઉઝરને રી-સ્ટાર્ટ (રિલોન્ચ) કરવું જરૂરી છે.

 

સાયબર હુમલાથી બચવા માટે યુઝર્સે અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવું અને શંકાસ્પદ વેબસાઇટ્સની મુલાકાત ન લેવી તે પણ સલાહભર્યું છે.

 

(10:36 AM IST)