News of Saturday, 25th October 2025
દિવાળી ફનફેર મેળામાં બેદરકારીનો ભોગ: રાઈડ્સને મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ પર સવાલો; પોલીસે મેળો બંધ કરાવી તપાસના આદેશ આપ્યા.
જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત દીપાવલી ફનફેર મેળામાં શુક્રવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. મેળામાં આવેલી

'બ્રેક ડાન્સ' નામની રાઈડ અચાનક તૂટી પડતાં ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામનું દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું.
ઈજાગ્રસ્ત ધવલ મંડલીએ હોસ્પિટલ પહોંચીને આપેલી માહિતી ચોંકાવનારી છે. તેમણે જણાવ્યું કે "હું મારી પત્ની અને માણેજ સાથે રાઈડ્સમાં સવાર હતો. અમને ત્રણેય જણાને વાગ્યું છે. માણેજને બહુ વાગ્યું નથી પણ મારી ઘરવાળીની આખી ખોપરી ફાટી ગઈ છે."
ગંભીર રીતે ઘાયલ દંપતીને જેતપુરમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ ખાતે રેફર કરવામાં આવ્યું છે.
આ દુર્ઘટના બાદ મેળાના આયોજકો (રોટરી ક્લબ) અને રાઈડ સંચાલકો મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ રાઈડ સંચાલકોની પ્રાથમિક બેદરકારી સામે આવી છે. સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર રોષ છે અને સવાલો ઊભા થયા છે કે શું આ જોખમી રાઈડ્સને ચલાવવાની યોગ્ય મંજૂરી આપવામાં આવી હતી? રાઈડ્સનું ફિટનેસ સર્ટિફિકેટ કોણે અને કયા આધારે આપ્યું હતું?
દુર્ઘટનાની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સમગ્ર ફનફેર મેળો તાત્કાલિક બંધ કરાવી દીધો છે. પોલીસ દ્વારા હવે રાઈડની ટેક્નિકલ તપાસ તેમજ મંજૂરી સંબંધિત તમામ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ આવી જોખમી ઘટનાઓ અટકાવવા માટે જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
