News of Saturday, 25th October 2025
બાપ રે! સોનાનો ભાવ આસમાને છતાં ૧૦ મહિનામાં ૮,૧૬,૪૬૬ કિલોની જંગી ખરીદી
કોણે ખરીદ્યું આટલું સોનું? કેન્દ્રીય બેંકોએ ગોલ્ડ રિઝર્વમાં કર્યો મોટો વધારો: એક વર્ષમાં ૬૫% સુધીનું હેવી વળતર મળતાં રોકાણકારોની નજર સોના પર.

નવી દિલ્હી: ભારતીય બજારમાં સોનાના ભાવ આશરે ₹૧.૩૦ લાખ પ્રતિ ૧૦ ગ્રામના આસમાની સ્તરે પહોંચી ગયા છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો માટે સોનું ખરીદવું લગભગ અશક્ય બની ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે આશ્ચર્ય સર્જ્યું છે.
વર્ષ ૨૦૨૫ના પ્રથમ ૧૦ મહિનામાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ (જેમાં ભારતની રિઝર્વ બેંક પણ સામેલ છે) સામૂહિક રીતે ૮,૧૬,૪૬૬ કિલો સોનું ખરીદ્યું છે.
સોનામાં આટલી મોટી ખરીદીનું મુખ્ય કારણ તેનું હેવી વળતર છે. છેલ્લા એક જ વર્ષમાં સોનાએ રોકાણકારોને ૫૫% થી ૬૫% સુધીનું જંગી વળતર આપ્યું છે, જેના કારણે વિશ્વભરની મધ્યસ્થ બેંકો પણ તેને મોટા પાયે ખરીદી રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો સર્વે: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સેન્ટ્રલ બેંક ગોલ્ડ રિઝર્વ સર્વે ૨૦૨૫ માં એક મહત્ત્વપૂર્ણ તારણ બહાર આવ્યું છે. ૭૬% કેન્દ્રીય બેંકો એવી અપેક્ષા રાખે છે કે આગામી પાંચ વર્ષ પછી પણ તેઓ તેમના અનામતમાં સોનાનો વધુ મોટો હિસ્સો જાળવી રાખશે.
આ આંકડાઓ દર્શાવે છે કે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને અન્ય પરિબળોને કારણે, કેન્દ્રીય બેંકો સોનાને રોકાણનું સૌથી સુરક્ષિત અને વળતર આપતું સાધન માને છે અને આ 'પીળી ધાતુ'નો દબદબો આગામી સમયમાં પણ જળવાઈ રહેવાની સંભાવના છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
