News of Saturday, 25th October 2025
ચોંકાવનારી ઘટના : મોરાદાબાદમાં મદરેસાના સ્ટાફરે ૧૩ વર્ષની સગીર વિદ્યાર્થિની પાસેથી 'વર્જિનિટી ટેસ્ટ'ની માગણી કરી : ધરપકડ
યુપીના મદરેસામાં ૮મા ધોરણની વિદ્યાર્થીની સાથે અશ્લીલ ટિપ્પણી અને ચારિત્ર્ય હનનનો પ્રયાસ : તપાસમાં આરોપો સાચા ઠર્યા : એક આરોપી જેલભેગો : મેનેજમેન્ટે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા : પીડિત પિતાએ ન્યાય ન મળવા પર પુત્રીના આત્મહત્યાના ડરની કરી રજૂઆત

મોરાદાબાદ, તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ : ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મદરેસાના એક કર્મચારીની ૧૩ વર્ષીય ધોરણ ૮ ની વિદ્યાર્થિની સાથે અશ્લીલ ટિપ્પણી કરવા અને તેને આગલા વર્ગમાં પ્રમોટ કરતા પહેલાં 'વર્જિનિટી ટેસ્ટ' કરાવવાની માગણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
ચંદીગઢના રહેવાસી, પરંતુ મોરાદાબાદમાં સ્થાયી થયેલા મોહમ્મદ યુસુફની પુત્રી લાંબા સમય સુધી વહીવટીતંત્રને જાણ કર્યા વિના મદરેસામાં ગેરહાજર રહી હતી. જ્યારે તેના પિતા ફરીથી પ્રવેશ માટે શાળાનો સંપર્ક કર્યો, ત્યારે સત્તાવાળાઓએ પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો અને આ વિવાદાસ્પદ મેડિકલ ટેસ્ટની માગણી કરી.
યુસુફે જામિયા અહસાનુલ બનાત ગર્લ્સ મદરેસાના મેનેજમેન્ટ પર તેની પુત્રીના ચારિત્ર્યને કલંકિત કરવા, "શરમજનક અને પાયાવિહોણા આરોપો" લગાવવા અને તેના શિક્ષણમાં અવરોધ ઊભો કરવાનો આરોપ મૂક્યો છે. યુસુફે વેદના સાથે જણાવ્યું, "રૂ. ૫૦૦ ની ગેરકાયદે ફી ચૂકવવા છતાં, ટ્રાન્સફર સર્ટિફિકેટ (TC) પણ આપવામાં આવ્યું નથી કે ફી પણ પરત કરવામાં આવી નથી. મારી દીકરી રડતી રહે છે અને કહે છે કે જો તેને ન્યાય નહીં મળે તો તે પોતાનું જીવન ટૂંકાવી દેશે."
પિતાએ મદરેસા દ્વારા જારી કરાયેલા દસ્તાવેજોની નકલો પોલીસને સુપરત કરી છે, જેમાં મેડિકલ ટેસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપો સાચા ઠર્યા, એક આરોપી જેલભેગો
એસપી સિટી કુમાર રણવિજય સિંહે જણાવ્યું હતું કે, મદરેસાના પ્રવેશ પ્રભારી શાહજહાં, પ્રિન્સિપાલ રહનુમા અને અન્ય સ્ટાફ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે પુષ્ટિ કરી કે, "તપાસ દરમિયાન આરોપો સાચા હોવાનું જણાયું છે. શાહજહાંની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે, જ્યારે પોલીસ અન્ય આરોપીઓની શોધ કરી રહી છે."
સર્કલ ઓફિસર (હાઇવે) રાજેશ કુમારે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા FIR દાખલ કર્યા બાદ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના તારણોના આધારે કાયદાની યોગ્ય કલમો ઉમેરવામાં આવશે. આ સંસ્થા મદરેસા તેમજ ઇન્ટર-કોલેજ બંને તરીકે કાર્ય કરે છે અને તે યુપી માધ્યમિક શિક્ષા બોર્ડ અને બેઝિક શિક્ષા વિભાગ સાથે સંલગ્ન છે.
મદરેસા દ્વારા આરોપોનો ઇનકાર
જોકે, મદરેસાના શિક્ષક મોહમ્મદ સલમાને આ આરોપોને "પાયાવિહોણા અને દૂષિત" ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે દાવો કર્યો કે, "કોઈપણ વિદ્યાર્થી પાસેથી આવા કોઈ પ્રમાણપત્રની ક્યારેય માંગણી કરવામાં આવી નથી. તે શરમજનક છે કે જે સંસ્થામાં સેંકડો છોકરીઓ ગૌરવ સાથે અભ્યાસ કરે છે, તેની વિરુદ્ધ આવા ખોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે."
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
