News of Saturday, 25th October 2025
મહિલા વર્લ્ડ કપ દરમિયાન ઇન્દોરમાં શરમજનક ઘટના: ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સાથે બાઇક સવાર બદમાશે કરી છેડતી
હોટેલ રેડિસન બ્લુ નજીક બે ખેલાડીઓને અયોગ્ય રીતે સ્પર્શ, Live Location મોકલાતા ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ સતર્ક; આરોપી અકીલની ધરપકડ

ઇન્દોર: મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને શરમજનક બનાવતી એક ઘટના સામે આવી છે. ૨૦૨૫ મહિલા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની બે મહિલા ખેલાડીઓ સાથે બાઇક સવાર બદમાશે છેડતી કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી અકીલ (રહે. આઝાદ નગર, ઇન્દોર) ની ધરપકડ કરી લીધી છે.
ઓસ્ટ્રેલિયન ટીમ હોટેલ રેડિસન બ્લુમાં રોકાઈ છે. ખેલાડીઓ જ્યારે નજીકના એક કાફે તરફ ચાલીને જઈ રહી હતી, ત્યારે બાઇક પર સવાર આરોપી અકીલ ત્યાં પહોંચ્યો.
તેણે બંને ક્રિકેટરોનો પીછો કર્યો અને એક ખેલાડીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો.
આ ઘટનાથી ગભરાયેલી મહિલા ક્રિકેટરોએ તાત્કાલિક તેમની ટીમના સુરક્ષા અધિકારી ડેની સિમન્સને લાઇવ લોકેશન અને SOS સિગ્નલ મોકલ્યો હતો.
આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયાથી ભારત આવેલી સુરક્ષા એજન્સીઓ તરત જ સતર્ક થઈ ગઈ હતી. સદભાગ્યે, એક રાહદારીએ આરોપીની બાઇકનો નંબર નોંધી લીધો હતો, જેના આધારે પોલીસ માટે આરોપીને શોધી કાઢવો અને પકડવો સરળ બન્યો હતો.
નોંધનીય છે કે આજે શનિવારે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપ મેચ યોજાવાની છે, ત્યારે આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો સવાલ ઊભો કર્યો છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
