<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

કુર્નૂલ બસ અકસ્માતમાં ૨૦ લોકોનાં મોત પાછળનો આઘાતજનક ખુલાસો: ₹૪૬ લાખના ૨૩૬ સ્માર્ટફોન અને AC બેટરીમાં થયો વિસ્ફોટ

આંધ્રપ્રદેશ બસ દુર્ઘટનામાં ચોંકાવનારો વળાંક: ઇંધણ લીક, સ્માર્ટફોન બેટરી અને હલકું એલ્યુમિનિયમ બોડી જીવલેણ સાબિત; બસે અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું

નવી દિલ્હી/કુર્નૂલ: આંધ્રપ્રદેશના કુર્નૂલમાં શુક્રવારે સવારે હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી કાવેરી ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ અકસ્માતમાં ૨૦ લોકો જીવતા બળી ગયા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માત પાછળના જે કારણો સામે આવ્યા છે, તે અત્યંત ચોંકાવનારા છે.
ફોરેન્સિક નિષ્ણાતોની તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે બસમાં ₹૪૬ લાખની કિંમતના ૨૩૬ સ્માર્ટફોન નો જથ્થો હતો, જે એક ઈ-કોમર્સ કંપની માટે પાર્સલ દ્વારા મોકલવામાં આવી રહ્યો હતો.
 પ્રાથમિક અનુમાન મુજબ, આ ફોનની બેટરીઓમાં વિસ્ફોટ થવાને કારણે બીષણ આગ ફેલાઈ હતી, જેણે મુસાફરોના મોતનું કારણ બન્યું.
 પ્રત્યક્ષદર્શીઓએ પણ ફોનમાં આગ લાગવાનો અને બેટરી ફૂટવાનો જોરદાર અવાજ સાંભળ્યો હોવાનું જણાવ્યું છે.
આંધ્રપ્રદેશ ફાયર સર્વિસ વિભાગના ડાયરેક્ટર જનરલ પી. વેંકટરામને જણાવ્યું હતું કે સ્માર્ટફોનના વિસ્ફોટ ઉપરાંત, બસની એર કન્ડીશનીંગ સિસ્ટમમાં વપરાતી ઇલેક્ટ્રિક બેટરી પણ ફૂટી હતી.
 તેમણે ઉમેર્યું હતું કે આગની શરૂઆત બસના આગળના ભાગમાં ઇંધણ લીક થવાને કારણે થઈ હોવાનું મનાય છે. બસ નીચે એક મોટરસાઇકલ ફસાઈ ગઈ હતી, જેના કારણે પેટ્રોલના છાંટા અને તણખાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ લીધું.
વેંકટરામને બસના બાંધકામમાં વપરાયેલી માળખાકીય ખામીને પણ આટલા મોટા નુકસાન માટે જવાબદાર ગણાવી. બસનું વજન ઘટાડવા અને ગતિ વધારવા માટે લોખંડને બદલે હળવા વજનના એલ્યુમિનિયમ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આના કારણે ગરમી એટલી તીવ્ર બની કે બસના ફ્લોર પરના એલ્યુમિનિયમના ચાદર ઓગળી ગયા, જે કટોકટીમાં મુસાફરો માટે હાનિકારક સાબિત થયું.
પ્રારંભિક તપાસ દર્શાવે છે કે કાવેરી ટ્રાવેલ્સે આ સ્માર્ટફોનનો જથ્થો પાર્સલ દ્વારા મોકલીને અનેક પરિવહન નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

(5:05 PM IST)