તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Sunday, 26th October 2025
હાઉસ ક્લિનિંગની તકરારમાં અમેરિકામાં ભારતીય મૂળની મહિલાએ પતિ પર ચપ્પુથી હુમલો કર્યો : ગળા પર ગંભીર ઈજા પહોંચાડતા ધરપકડ
નોર્થ કેરોલિનાની એલિમેન્ટરી સ્કૂલમાં ટીચર આસિસ્ટન્ટ તરીકે કામ કરતી ચંદ્રપ્રભા સિંહ પર 'ઘાતક હથિયાર વડે હુમલો' કરવાનો આરોપ : પતિએ 'જાણીજોઈને હુમલો' કર્યાનું નિવેદન આપ્યું, જ્યારે પત્નીએ 'અકસ્માત' ગણાવ્યો

ન્યૂયોર્ક, તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫ : અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં ભારતીય મૂળની એક મહિલાની ઘરની સફાઈ (હાઉસ ક્લિનિંગ) ને લઈને થયેલી દલીલ દરમિયાન તેના પતિ પર ચપ્પુથી હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ચર્ચા જગાવી છે.
ચંદ્રપ્રભા સિંહ (ઉ.વ. ૪૪) નામની આ મહિલા, જે ચાર્લોટની એન્ધેવન એલિમેન્ટરી સ્કૂલમાં K-૩ ગ્રેડ માટે ટીચર આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે, તેની ધરપકડ કરવામાં આવી છે. WBTV દ્વારા ટાંકવામાં આવેલા ધરપકડ વોરંટ મુજબ, તેના પર ૧૨ ઓક્ટોબર, રવિવારના રોજ "ગેરકાયદેસર, ઇરાદાપૂર્વક અને ગુનાહિત રીતે" અન્ય વ્યક્તિના ગળા પર ઈજા પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટના નોર્થ કેરોલિનાના ચાર્લોટના બાલેન્ટાઇન વિસ્તારમાં આવેલ ફોક્સહેવન ડ્રાઇવ પરના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં બની હતી.
પત્ની પર ગંભીર ઇજા પહોંચાડવાનો આરોપ
ચાર્લોટ-મેકલેનબર્ગ પોલીસ વિભાગ (CMPD) એ જણાવ્યું કે ચંદ્રપ્રભા સિંહ પર 'ઘાતક હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદા સાથે હુમલો' કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ હુમલો શાળાના પરિસરમાં થયો ન હતો અને તેમાં કોઈ વિદ્યાર્થી કે અન્ય કર્મચારી સામેલ ન હતા.
ઘટના અંગે બે અલગ નિવેદનો:
પોલીસ દ્વારા મેળવવામાં આવેલા એફિડેવિટ (Affidavit) મુજબ, ભોગ બનનાર અરવિંદ સિંહ (ચંદ્રપ્રભાના પતિ) એ અધિકારીઓને જણાવ્યું કે તેણે ઘરની સફાઈ ન કરી હોવાથી તેની પત્ની ખૂબ ગુસ્સે થઈ હતી અને તેણે "જાનબૂજીને ચપ્પુ વડે હુમલો કર્યો" હતો.
બીજી તરફ, ચંદ્રપ્રભા સિંહે તપાસકર્તાઓને અલગ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તે સવારનો નાસ્તો બનાવી રહી હતી, ત્યારે તેના પતિએ મદદ માટે પૂછ્યું. ઘર ગંદુ હોવાથી નારાજ થઈને, તે ચપ્પુ પકડીને પાછળ ફરી અને "આકસ્મિક રીતે" ચપ્પુ પતિના ગળા પર વાગી ગયું.
પોલીસ ઘટનાસ્થળે સવારે ૧૦:૪૯ વાગ્યે પહોંચી હતી, ત્યાં સુધીમાં અરવિંદ સિંહને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જામીન અને નોકરી પર અસર
ધરપકડ બાદ મેજિસ્ટ્રેટે સિંહના જામીન નામંજૂર કર્યા હતા, પરંતુ ૧૩ ઓક્ટોબરે કોર્ટમાં હાજર થતાં તેમના જામીન $૧૦,૦૦૦ પર નક્કી કરવામાં આવ્યા હતા અને તેમને પબ્લિક ડિફેન્ડર પણ સોંપવામાં આવ્યા હતા. સોમવારે તેણીને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી, પરંતુ શરતોમાં ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ ડિવાઇસ પહેરવું અને પતિ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખવાનો સમાવેશ થાય છે.
એસએસબી ક્રેક ન્યૂઝના અહેવાલ મુજબ, ચાર્લોટ-મેકલેનબર્ગ સ્કૂલ જિલ્લાએ કેસનું પરિણામ ન આવે ત્યાં સુધી ચંદ્રપ્રભા સિંહને પગાર સાથે સસ્પેન્ડ કરી દીધા છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
