News of Sunday, 26th October 2025
"જ્યાં સુધી યુક્રેન પર કોઈ સમજૂતી નહીં થાય ત્યાં સુધી પુતિન સાથે મુલાકાત નહીં કરું" : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું દોહામાં સ્પષ્ટ નિવેદન
યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસોમાં પ્રગતિ ન હોવાથી બુડાપેસ્ટમાં યોજાનારી પુતિન-ટ્રમ્પ સમિટ હાલ પૂરતી મુલતવી : ટ્રમ્પે કહ્યું - 'મારો સમય બગાડવા નથી માંગતો' : રશિયાના વિશેષ દૂતે શાંતિ સમજૂતીની નજીક હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો

દોહા, તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી તેમને ખાતરી નહીં થાય કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સુરક્ષિત કરવા માટે કોઈ સમજૂતી (Deal) થવા જઈ રહી છે, ત્યાં સુધી તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવાની યોજના ધરાવતા નથી.
દોહામાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું, "તમારે જાણવું પડશે કે અમે કોઈ સમજૂતી કરવા જઈ રહ્યા છીએ, હું મારો સમય બગાડવા નથી જઈ રહ્યો."
અગાઉ, મંગળવારે (૨૧ ઓક્ટોબર) રશિયાએ તાત્કાલિક યુદ્ધવિરામનો ઇનકાર કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસો પર શંકાના વાદળો છવાયા હતા, જેના પગલે બુડાપેસ્ટમાં આયોજિત ટ્રમ્પ-પુતિન સમિટ મુલતવી રાખવામાં આવી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે યુદ્ધ સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસોમાં પ્રગતિના અભાવને કારણે આ બેઠક રદ કરી દીધી હતી, અને તેમને લાગ્યું કે સમય યોગ્ય નથી.
જોકે, રશિયાના રોકાણ અને આર્થિક સહકાર માટેના વિશેષ દૂત દમિત્રીવે (Dmitriev) ૨૪ ઓક્ટોબરે વોશિંગ્ટન પહોંચ્યા બાદ CNN સાથે વાત કરતા આશા વ્યક્ત કરી હતી કે, તેઓ માને છે કે તેમનો દેશ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુક્રેન, યુદ્ધ સમાપ્ત કરવાના રાજદ્વારી ઉકેલની ખૂબ નજીક છે. દમિત્રીવે એવો પણ દાવો કર્યો કે ટ્રમ્પે બેઠક રદ કરી નથી, પરંતુ બંને નેતાઓ સંભવતઃ પછીની તારીખે મુલાકાત કરશે. જોકે, તેમણે આ રાજદ્વારી ઉકેલમાં શું વિગતો હશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. ઉલ્લેખનીય છે કે, રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુક્રેન પર મોટા પાયે આક્રમણ શરૂ કર્યું હતું.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
