<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

યુક્રેનમાં રશિયાનું ફરી વિનાશક ડ્રોન આક્રમણ: કિવના રહેણાંક વિસ્તારોમાં ભીષણ આગ, ૩ નિર્દોષ નાગરિકોના મોત

સળંગ બીજી રાતે હુમલો: ૭ બાળકો સહિત ૨૯ ઘાયલ; યુક્રેને ૧૦૧માંથી ૯૦ ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો, ઝેલેન્સકીએ પશ્ચિમી એર ડિફેન્સ સિસ્ટમની માગ દોહરાવી.

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભયાનક સ્તરે પહોંચ્યું છે. શનિવારે રાત્રે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન વડે મોટાપાયે હુમલા કર્યા, જેના પરિણામે બે રહેણાંક ઇમારતોમાં આગ લાગી અને ૩ લોકોનાં કરુણ મોત નીપજ્યાં. મૃતકોમાં ૧૯ વર્ષની એક યુવતી અને તેની ૪૬ વર્ષીય માતાનો સમાવેશ થાય છે.
યુક્રેનના ગૃહમંત્રી ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું કે કિવ પર સળંગ બીજી રાત્રે થયેલા આ હુમલામાં ૭ બાળકો સહિત ઓછામાં ઓછા ૨૯ લોકો ઘાયલ થયા છે.
 રહેણાંક ઇમારતો લક્ષ્ય: રશિયન ડ્રોન હુમલાને કારણે રાજધાનીના ડેસ્નિઆન્સ્કી જિલ્લામાં એક ૯ માળની અને એક ૧૬ માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. કટોકટી કર્મચારીઓએ ઇમારતોમાંથી રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા.
યુક્રેનિયન વાયુસેનાના જણાવ્યા અનુસાર, રશિયાએ શનિવારે રાત્રે યુક્રેન પર કુલ ૧૦૧ ડ્રોન હુમલા કર્યા હતા, જેમાંથી યુક્રેનિયન દળો દ્વારા ૯૦ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. તેમ છતાં, ચાર સ્થળોએ ભારે નુકસાન થયું છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે માત્ર એક દિવસ પહેલાં જ રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલામાં ૪ લોકો માર્યા ગયા હતા (જેમાં કિવમાં ૨નો સમાવેશ થાય છે). સતત હુમલાઓ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ પશ્ચિમી દેશો પાસેથી અત્યાધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ (Air Defence Systems) માટે ફરી એકવાર આગ્રહ કર્યો છે.
કિવ પોલીસે જણાવ્યું કે શનિવારે વહેલી સવારે પણ બેલિસ્ટિક મિસાઇલ હુમલામાં ૨ લોકો માર્યા ગયા હતા અને ૧૩ અન્ય ઘાયલ થયા હતા. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ લોકોને આશ્રય લેવા અપીલ કરી હતી.

(4:06 PM IST)