હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુક્રેને મોસ્કો ઉપર ડ્રોન હુમલા કર્યાઃ રાજધાની હચમચી ઉઠી
મોસ્કો પર અત્યાર સુધીનો મોટો ડ્રોન હુમલોઃ બે મુખ્ય વિમાન મથકો ઠપ્પઃ તેલ ડેપોમાં ભીષણ આગઃ વહેલી સવાર સુધી જુદી જુદી દિશાઓમાંથી ડ્રોન ત્રાટક્યાઃ તમામ ડ્રોન તોડી પડાયાનો રશિયાનો દાવોઃ શહેરના જુદા જુદા ભાગોમાંથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યાઃ વિડીયો પણ પ્રસારિત થયા

નવી દિલ્હી/મોસ્કોઃ રશિયા દ્વારા અદ્રશ્ય અણુ મિસાઈલની જાહેરાતના પગલે વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે ગઈકાલે રવિવારે મોડી રાત્રે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર ડઝનબંધ ડ્રોન વડે જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે મોસ્કોના રહેવાસીઓમાં અફરાતફરી ફેલાઈ હતી અને અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.
સુરક્ષાના કારણોસર, મોસ્કોના બે મુખ્ય હવાઈ મથકો, દોમોદેદોવો અને ઝુકોવ્સ્કી, પરથી તમામ ઉડાનો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. મોસ્કોના મેયરે અઠ્ઠાવીસ ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે, પરંતુ મોસ્કો ક્ષેત્રમાં આવેલા એક મોટા તેલ ડેપોમાં આગ લાગી હોવાના અહેવાલોએ રશિયન દાવાઓ પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.
વિગતવાર જોઈએ તો રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ગઈકાલે રવિવાર, ૨૬ ઓક્ટોબરની રાત્રિ મોસ્કો માટે ભયાનક સાબિત થઈ. યુક્રેનના સશષ દળોએ રશિયાની રાજધાની મોસ્કો અને તેની આસપાસના મોસ્કો ઓબ્લાસ્ટ (વિસ્તાર) પર ડઝનબંધ લાંબા અંતરના ડ્રોન વડે મોટો હુમલો કર્યો હતો. આ હુમલો રવિવારે રાત્રે શરૂ થયો હતો અને આજે સોમવાર, ૨૭ ઓક્ટોબરની વહેલી સવાર સુધી ચાલ્યો હતો. અનેક દિશાઓમાંથી આવેલા આ ડ્રોન હુમલાઓને કારણે મોસ્કો શહેર ધણધણી ઉઠ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેઓએ રાત્રિ દરમિયાન અનેક શક્તિશાળી વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હતા. શહેરના જુદા જુદા ભાગોમાંથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા, જેના વિડીયો પણ પ્રસારિત થયા હતા.
મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને સત્તાવાર રીતે હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલી (એર ડિફેન્સ) દ્વારા યુક્રેનિયન ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મોસ્કો તરફ આવતા ઓછામાં ઓછા અઠ્ઠાવીસ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, રશિયન દાવાઓ છતાં, નુકસાનના અહેવાલો પણ સામે આવ્યા છે.
મળતી વિગતો મુજબ, આ હુમલાઓનું મુખ્ય નિશાન રશિયન સેનાને મદદ કરતા લશ્કરી મથકો, બળતણ ભંડારો અને અન્ય મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ હતી. મોસ્કો ક્ષેત્રમાં આવેલા સરપુખોવ શહેરના એક મોટા ઓઇલ ડેપો (તેલ ભંડાર) પર ડ્રોન ત્રાટક્યું હતું, જેના કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રશિયન ઉડ્ડયન સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી મોસ્કોના ચાર મુખ્ય વિમાન મથકોમાંથી બે મોટા હવાઈ મથકો - દોમોદેદોવો અને ઝુકોવ્સ્કી - પરથી વિમાનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આવતી અને જતી તમામ ઉડાનો સ્થગિત કરી દેવાતા હજારો મુસાફરો અટવાયા હતા.
રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ ડ્રોન નિષ્ક્રિય કરી દેવાયા છે અને મોસ્કો શહેરમાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયું નથી. બીજી તરફ, યુક્રેન દ્વારા આ હુમલા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
