<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

રહી રહીને માવઠુ આવ્‍યુ : મહુવા-૧૧ાા, રાજુલા-૯ાા, શિહોરમાં ૬ ઇંચ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ત્રણ ઋતુઓનો અનુભવઃ હજુ પણ ત્રણ દિવસની આગાહીઃ સર્વત્ર ગોરંભાયેલું હવામાન : અમરેલી-ભાવનગર જીલ્લામાં વરસાદનું વધુ જોર, મહુવામાં તો આભ ફાટયુઃ પાકનો સોથ વળી ગયો

 

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસાએ વિદાય લીધા બાદ રહી રહીને માવઠુ વરસતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. મગફળી, કપાસ, સોયાબીન, સહિત પાકનો સોથ વળી ગયો છે. આજે સવાર સુધીમાં ભાવનગર જીલ્લાના મહુવામાં દે ધનાધન સાડા ૧૧ ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત અમરેલી જીલ્લાના રાજુલામાં સાડા ૯ ઇંચ, શિહોરમાં ૬ ઇંચ વરસાદ પડયો છે.

જયારે અમરેલી જીલ્લાના જાફરાબાદમાં પ, સાવરકુંડલા-ઉનામાં ૪, ભાવનગર, પાલીતાણા, જેશર, વલ્લભીપુરમાં સાડા ૩ ઇંચ, ગારીયાધાર, તળાજા, ઉમરાળામાં અઢી ઇંચ, વરસાદ પડયો છે.

આ વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, સહિત શિયાળુ પાકનો સોથ વળી ગયો છે. મગફળીનાં પાથરા પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે.

આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગોરંભાયેલુ વાતાવરણ યથાવત છે. અને સર્વત્ર વાદળા સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ

રાજકોટ શહેરમાં ગઇકાલે આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યુ હતું અને રાત્રીના ૯ વાગ્‍યાથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. જે આખી રાત ધીમીધારે ઝાપટારૂપે વરસ્‍યો છે.

આજે સવારે પણ ઝરમર વરસાદ વરસ્‍યો હતો. અને વાદળછાયું વાતાવરણ છવાયેલુ છે. સૂર્યનારાયણે સવારે દર્શન દીધા ન હતાં.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા ૨૬ કલાક દરમિયાન પોણા ઇંચથી સાડા પાંચ  ઇંચ વરસાદ પડ્‍યો છે. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડ્‍યો હતો. આજે સવારે પણ મુશળધાર વરસાદ પડ્‍યો છે. જિલ્લાના મહુવામાં ૧૧.૫ ઇંચ, સિહોરમાં ૫.૫ ઈચ, ભાવનગર શહેરમાં ૩.૫ ઇંચ, પાલીતાણામાં ૩.૫ ઇંચ, જેસરમાં ૩.૫ ઇંચ, ગારીયાધારમાં ૨.૫ ઇંચ, તળાજા અને ઉમરાળામાં ૨.૫ ઇંચ અને વલભીપુરમાં ૩.૭૫  ઇંચ વરસાદ પડ્‍યો છે. હજુ પણ જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે. પાછોતરા વરસાદથી જિલ્લામાં કપાસના પાકને નુકસાન ની ભીતી સેવાઈ રહી છે.

ગોહિલવાડ પંથકમાં   ધોધમાર વરસાદ પડ્‍યો છે. ભર શિયાળે ચોમાસાનો માહોલ ઉભો થયો છે. સમગ્ર જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી થઈ ગઈ છે. જિલ્લામાં હાલમાં કપાસનો પાક ઉભો છે અને ઘણા સ્‍થળે વધુ મગફળીના પથરાપણ પડ્‍યા છે તેવા સમયે કમોસમી વરસાદથી ખેડૂતો માં ચિંતા ની લાગણી  ફેલાઈ છે. મહુવામાં અને ભાવનગર શહેરમાં રવિવારની રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. આજે સોમવારની સવારે છ થી આઠ દરમિયાન પણ મહુવા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્‍યો હતો. તોફાની પવન સાથે જિલ્લાભરમાં વરસાદ પડ્‍યો છે. હજુ પણ ભાવનગર જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા :..  સાવરકુંડલા શહેર અને પંથકમાં ગઈકાલ સવારથી ધીમીધારે વરસાદ વરસવો ચાલુ થયો હતો જે ગઈકાલ દિવસભર ધીમી ધારે વરસતો રહ્યો જો કે સાંજના આઠ વાગ્‍યા બાદ વરસાદની માત્રા વધી હતી અને રાતભર અષાઢી મેઘ વરસતો હોય તેવો માહોલ રહ્યો હતો આજ સવારે પણ ભારે વરસાદ વરસવો ચાલુ છે નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદ જાણે આવતા ચોમાસાનું મુર્હૂત લાભ પાચમ ના રોજ સાચવ્‍યું હોય તેમ સતત વરસી રહ્યો છે ચોમાસુ પૂર્ણ થઈ ગયા બાદ આવેલા આ કમોસમી વરસાદથી લોકો ભારે હાડમારીમાં મુકાઈ ગયા હતા અને ભર ચોમાસે જેવી મુશ્‍કેલી નહોતી આવી એથી વધુ મુશ્‍કેલી  કમોસમી વરસાદમાં પડી હતી. નવા વર્ષની શરૂઆતમાં ભાગવત સપ્તાહ જેવા સામાજિક આયોજનો થયા હતા તે આયોજકો પણ ભારે મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા લોકો વરસાદ હવે વીરામ લે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મામલતદાર કચેરીમાં બેદિવસ નો ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જેમા આજે સવારે બે કલાક માં જ બે ઇંચ પડી ગયો છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી :.. રાજ્‍યમાં માવઠાની અસર જોવા મળી રહી છે. જેની અસર મોરબીમાં જોવા મળી હતી. તે અનુસંધાને મોરબી ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ દ્વારા વરસાદની આગાહીના પગલે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

જેમાં ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા જણાવવામાં આવ્‍યું કે, હવામાન ખાતાની આગાહીને ધ્‍યાનમાં લેતા તા. ૨૫-૧૦-૨૦૨૫ થી તા. ૫-૧૧-૨૦૨૫ સુધી કમોસમી વરસાદની આગાહીને ધ્‍યાનમાં રાખીને ખેડૂતોએ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવો. માલની ઉતરાઈ થઈ ગયા બાદ તાલપત્રી ઢાંકી દેવી. સેડમાં જગ્‍યા હશે ત્‍યાં સુધી જ માલની ઉતરાઈ કરવા દેવામાં આવશે. ત્‍યારબાદ ઉભા વાહન રાખવામાં આવશે. ઉભા વાહનોની હરરાજી લેવામાં આવશે. વેપારીઓએ પોતાનો માલ ગોડાઉનમાં લઈ લેવા જણાવવામાં આવ્‍યું છે.

સાવરકુંડલા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા :.. સાવરકુંડલા કમોસમી વરસાદ વરસવા થી ખેડૂતો ને કપાસ અને શીંગ ને ભારે નુકશાન થવા પામ્‍યું છે.

       વાતાવરણ માં એકા એક પલટો આવી જતા  સાવરકુંડલા ખાતે કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતો ને કપાસ શીંગ અને ડુંગળી પાક અને વાવેતર નુકશાન થયેલ અને ડુંગળીના પાકને બાફ આવી જાય એટલે ટૂંકમાં નુકશાન થયેલ છે.

       આ કમોસમી વરસાદ થી  ખેડૂતો પાક ખેતર માંથી લેવા ના હતો  ત્‍યાં કમોસમી વરસાદ પડ્‍યો ચોમાસા ના ચાર મહિના ની મહેનત ઉપર આ કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે  ખેડૂતો ને બિયારણ અને મજૂરો ની મજૂરી વિગેરે પ્રકારનું નુકશાન થયેલ છે.

     આ કમોસમી વરસાદ થી થયેલ ખેડૂતો ના પાક નું નુકશાન સર્વે નું કરવા  માં આવશે ખરા ?  ખેડૂતો ને રાતે પાણી એ રોવું પડશે.

છેલ્‍લા ર૪ કલાકમાં પડેલા વરસાદનાં આંકડા નીચે મુજબ છે.

ભાવનગર

મહુવા              ર૭૭ મી. મી.

વલ્લભીપુર ૯૦ મી. મી.

ઉમરાળા    પ૯ મી. મી.

ભાવનગર  ૮ર મી. મી.

ઘોઘા              ૧૮ મી. મી.

શિહોર              ૧૩પ મી. મી.

ગારીયાધાર ૬૯ મી. મી.

પાલીતાણા ૮૪ મી. મી.

તળાજા            પ૬ મી. મી.

જેશર              ૮૭ મી. મી.

અમરેલી

રાજુલા             રર૦ મી.મી.

કુંકાવાવ-વડીયા    ૬ મી. મી.

લાઠી               ર૩ મી. મી.

બાબરા             ૧૮ મી. મી.

લીલીયા    ૪ર મી. મી.

અમરેલી    ૩૩ મી. મી.

બગસરા    રર મી. મી.

ધારી               ૧૬ મી. મી.

સાવરકુંડલા ૯૭ મી. મી.

ખાંભા              ૩૭ મી. મી.

જાફરાબાદ  રર૦ મી. મી.

ગીર સોમનાથ

ગીરગઢડા  ૧૯ મી. મી.

તાલાલા    ૩૦ મી. મી.

પાટણ-વેરાવળ     ર૦ મી. મી.

સુત્રાપાડા   ૭૯ મી. મી.

કોડીનાર       ૬ર મી. મી.

ઉના           ૯ર મી. મી.

 

(10:41 AM IST)