<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

વિવાદનો અંત: કંગના રનૌતે વૃદ્ધ ખેડૂત મહિલાની માફી માંગી! – બદનક્ષીના કેસમાં ભટિંડા કોર્ટમાં હાજર થઈને પસ્તાવો વ્યક્ત કર્યો.

લાંબી કાનૂની લડાઈ બાદ કંગનાનું કોર્ટમાં હાજર થઈને માફી માંગવું એ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પરની બેજવાબદાર ટિપ્પણીઓના ગંભીર પરિણામો આવી શકે છે

ભટિંડા: ભારતીય રાજકારણ અને સિનેમા જગતની ચર્ચાસ્પદ વ્યક્તિ, ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત આજે પંજાબની ભટિંડા કોર્ટમાં ભારે સુરક્ષા વચ્ચે હાજર થયા હતા અને વર્ષ ૨૦૨૦-૨૧ના ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન ૭૩ વર્ષીય મહિન્દર કૌર પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી હતી.

લાંબા સમયથી ચાલી રહેલા બદનક્ષીના કેસમાં કંગના રનૌતે આખરે કોર્ટમાં હાજર થઈને નમ્રતા દર્શાવી હતી.
કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા પછી પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપ સાંસદે જણાવ્યું કે, "મને ૭૩ વર્ષીય મહિલા સામેની મારી સોશિયલ મીડિયા પોસ્ટનો પસ્તાવો છે. મેં કોર્ટમાં ફરિયાદીના પતિની માફી માંગી લીધી છે." મહિન્દર કૌર પોતે કોર્ટમાં હાજર નહોતા.
મંડીના ભાજપ સાંસદ કંગના રનૌતે ભૂતકાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં ૭૩ વર્ષીય મહિન્દર કૌરને શાહીન બાગના પ્રદર્શનકારી 'બિલ્કીસ બાનો' તરીકે ખોટી રીતે ઓળખાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે આવી વૃદ્ધ મહિલાઓને ખેડૂત આંદોલનમાં માત્ર ₹૧૦૦ આપીને વિરોધ કરવા માટે 'ભાડે' રાખી શકાય છે. આ ટિપ્પણી બદલ કૌરે કંગના સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં ભટિંડાની નીચલી કોર્ટે ૨૦૨૨માં કંગનાને સમન્સ પાઠવ્યું હતું. ત્યારબાદ કંગનાએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી અરજીઓ દાખલ કરી હતી, જેમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થવાની અથવા કેસ રદ કરવાની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી પર વિચારવાનો ઇનકાર કરતા, કંગનાને ૨૭ ઓક્ટોબરે કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
અંતે, લાંબી કાનૂની લડાઈ બાદ કંગનાનું કોર્ટમાં હાજર થઈને માફી માંગવી એ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પરની બેજવાબદાર ટિપ્પણીઓના ગંભીર પરિણામો આવી શકે છે

(11:33 PM IST)