News of Tuesday, 28th October 2025
તમારા દાંતની કેપ જ્યારે શ્વાસનળીમાં સરકી જાય... એ જીવલેણ નીવડી શકે
ગુજરાતી સિનિયર સિટિઝન સાથે આવું જ થયું: સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે જોકે માત્ર ૧૦ મિનિટમાં પેશન્ટનો જીવ બચાવ્યો

મુંબઇ તા.૨૮: દિવાળીના દિવસો દરમ્યાન ચેમ્બુરના એક ગુજરાતી સિનિયર સિટિઝન સાથે ડેન્ટલ ટ્રીટમેન્ટ વખતે વિચિત્ર અને અસામાન્ય બનાવ બની ગયો હતો. આ સિનિયર સિટિઝનના દાંતની સારવાર દરમ્યાન અચાનક દાંત પર લગાવવામાં આવતી કેપ સરકીને તેમની શ્વાસનળીમાં જતી રહી હતી. આ કેપ તેમની શ્વાસનળીમાં ફસાઈ જતાં દોડાદોડી થઈ ગઈ હતી. જોકે નજીકની એક હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ પલ્મનોલોજિસ્ટ અને ચેસ્ટ મેડિસિન સ્પેશ્યલિસ્ટે ઇમર્જન્સીમાં ટ્રીટમેન્ટ કરીને ફક્ત ૧૦ મિનિટમાં જ કેપ બહાર કાઢીને સિનિયર સિટિઝનનો જીવ બચાવી લીધો હતો.
ચેમ્બુરના એક સિનિયર સિટિઝન તહેવારોમાં બપોરના ૧૨ વાગ્યાની આસપાસ એક સાદી ડેન્ટલ કેપનું ફિટિગ કરાવવા માટે તેમના ડેન્ટિસ્ટ પાસે ગયા હતા. આ એક નિયમિત પ્રક્રિયા હતી. જોકે અચાનક આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે દાંતની કેપ લપસીને શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. એને કારણે સામાન્ય પ્રક્રિયા અણધારી રીતે જીવલેણ કટોકટીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. લોકલ ઍનેસ્થેસિયાથી તેમનું ગળું સુન્ન થઈ ગયું હોવાથી તેમણે તાત્કાલિક કોઈ તકલીફ અનુભવી નહોતી. સિનિયર સિટિઝનને નાની ધાતુની કેપ તેમની શ્વાસનળીમાં ઊંડે સુધી ઘૂસી ગઈ છે એનો ખ્યાલ જ આવ્યો નહોતો. જોકે થોડી વાર પછી તેઓ અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા. ત્યારે CT સ્કેન કરવાથી આ વિચિત્ર બનાવની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. CT સ્કેનમાં ખબર પડી કે ડેન્ટલ કેપ તેમની જમણી મુખ્ય શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. આ પ્રક્રિયામાં ૩ કલાકનો સમય વીતી ગયો હતો એટલે તેમને શ્વાસોશ્વાસમાં તકલીફ પડી શકે એવી પૂરેપૂરી શક્યતા હતી.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પેશન્ટના ડેન્ટિસ્ટ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં નિષ્ણાતોની એક ટીમે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો જેથી પરિસ્થિતિ ગંભીર કટોકટીમાં ફેરવાઈ ન શકે. સિનિયર સિટિઝન હોસ્પિટલમાં પહોંચ્યા પછી ડોક્ટરની ટીમે તાત્કાલિક બ્રોન્કોસ્કોપી માટે તૈયારી કરી હતી જેથી કેપને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.(૩૮.૨૦)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
