હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લગ્નસરા ટાણે સોના-ચાંદીના ભાવ ઘટતાં લોકોએ ખરીદી શરૂ કરી
સોના ચાંદીની વૈશ્વિક ખરીદી ઘટે તો હજુ ભાવ ઘટવાની સોના ચાંદીની વૈશ્વિક ખરીદી સંભાવના જોતાં વેપારીઓ

અમદાવાદ તા.૨૮: દુનિયાભરમાં સોના ચાંદીના ભાવ ચર્ચામાં છે. દિવાળી પહેલા સોનાના ભાવ ૧૦ ગ્રામના ૧.૩૧ લાખ રૂપિયા પહોંચી ગયા હતા જ્યારે ચાંદીના ભાવ તો અકલ્પનીય ૧.૯૦ લાખ રૂપિયા પ્રતિ કિલો (પ્રીમિયમ સાથે) પહોંચી ગયા હતા. આટલા ભાવ હોવા છતાં લોકોએ પુષ્પનક્ષત્ર અને ધનતેરસના દિવસે ધૂમ ખરીદી કરી હતી. જોકે, દિવાળી બાદ સોના ચાંદીના ભાવમાં કડાકો થયો છે. સોના ચાંદીના ભાવમાં અસાધારણ વધારા બાદ થયેલા ઘટાડાને લઈ લોકોએ લગ્નસરા માટે ખરીદી શરૂ કરી દીધી છે. જોકે હજુ પણ વૈશ્વિક બજારમાં સોના ચાંદીની ખરીદી ઘટે તો ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. સોની બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, હજુ પણ સોના ચાંદીમાં રોકાણ કરવું લાભદાયી સાબિત થઈ શકે છે.
એક તરફ દુનિયાભરના દેશો હવે તમામ પ્રકારના વિનિમય માટે અમેરિકન ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે ત્યારે સોનું તેનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે. હાલ વિનિમય માટે સોનાનો ઉપયોગ થઈ રહ્યો છે, માટે જ દુનિયાભરના દેશોમાં સોનાની ધૂમ ખરીદી થઈ રહી છે. સોનાની માગ વધતાં ભાવ પણ સતત વધતા જ રહ્યા છે. સોનાના ભાવ એક લાખનો આંક વટાવીને પુષ્યનક્ષત્ર સુધી તો ૧૦ ગ્રામના ૧.૩૧ લાખ સુધી પહોંચી ગયા હતા. સોનાના આસમાને પહોંચેલા ભાવમાં ઘટાડો ઇચ્છિત હતો. દિવાળીના પાંચ દિવસોમાં સોનાના ભાવ ૧.૩૧ લાખથી ઘટીને ૧.૨૪ લાખ સુધી પહોંચી ગયા છે.
બીજી તરફ, ચાંદીનો ઈન્ડસ્ટ્રિયલ યૂઝ ખાસ્સો વધ્યો છે, જેને લઈને તેની માગ સતત વધતી જ રહી છે. આ પરિસ્થિતિમાં ચાંદીના ભાવ પણ એક લાખનો આંક વટાવી ગયા હતા અને દરરોજ ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. પુષ્ય નક્ષત્રના દિવસે તો ચાંદીનો ભાવ ૧.૯૧ લાખ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. આટલો ભાવ હોવા છતાં પુષ્પ નક્ષત્રના દિવસે અમદાવાદમાં ૪૦૦ કિલો ચાંદીનું વેચાણ થયું હતું. ચાંદીના ભાવ પણ દિવાળીની પાંચ દિવસની રજાઓમાં ઘટીને ૧.૪૭ લાખ પર સ્થિર થયા છે. હજુ પણ ચાંદીના ભાવ થોડા ઘટે તેવી સંભાવના જોવા મળી રહી છે. સોની બજારના વેપારીઓના મતે દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ચાલી રહેલી તંગદીલી ઘટે અને ટ્રમ્પ સરકારની નીતિ સ્પષ્ટ થાય તો સોના ચાંદીના ભાવ ચોક્કસ ઘટી સ્થિર થઈ શકે છે. ભાવ ઘટવાની સંભાવનાઓ વચ્ચે પણ વેપારીઓ સોનું અને ચાંદી રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું માની રહ્યા છે.(૩૮.૩૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
