News of Tuesday, 28th October 2025
સરકારી ઇમારતોમાં આરએસએસના કાર્યક્રમો પર પ્રતિબંધના આદેશ પર હાઇકોર્ટનો સ્ટે: સિદ્ધારમૈયા સરકારને મોટો સેટબેક
કોર્ટે રાજ્ય સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર આ રીતે નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ મારી શકે નહીં.

બેંગલુરુ: કર્ણાટક હાઇકોર્ટે રાજ્યની સિદ્ધારમૈયા સરકારના એ આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે, જેમાં સરકારી ઇમારતોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તે મૂળભૂત અધિકારોનું હનન કરી શકે નહીં.
વિગતવાર જોઈએ તો કર્ણાટકમાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે મંગળવારે રાજ્ય સરકારના એ વિવાદાસ્પદ આદેશ પર વચગાળાનો મનાઈહુકમ ફરમાવ્યો છે, જે અંતર્ગત સરકારી ઇમારતો અને પરિસરોમાં આરએસએસની શાખાઓ અથવા અન્ય કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સરકારના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી. કોર્ટે રાજ્ય સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર આ રીતે નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ મારી શકે નહીં.
કોર્ટનું માનવું હતું કે આવો પ્રતિબંધ પ્રથમ દૃષ્ટિએ ભેદભાવપૂર્ણ અને બંધારણ દ્વારા અપાયેલા 'એકત્ર થવાના અધિકાર'નું ઉલ્લંઘન છે.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધારમૈયા સરકારે થોડા સમય પહેલા આ આદેશ જારી કર્યો હતો, જેનો ભાજપ અને સંઘ પરિવારે ઉગ્ર વિરોધ કર્યો હતો. હાઇકોર્ટના આ વચગાળાના સ્ટે બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
