ચક્રવાત મોન્થાનો કહેર: ભારે વરસાદ અને પવનને પગલે ભારે તબાહી:સમગ્ર આંધ્રપ્રદેશમાં એલર્ટ જારી
આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી: વિશાખાપટ્ટનમ એરપોર્ટથી તમામ 32 ફ્લાઇટ્સ રદ

ચક્રવાત મોન્થા મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ દરિયાકાંઠા વચ્ચે ત્રાટક્યું હતું. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા આ વાવાઝોડાએ જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોને પાર કર્યું ત્યારે પવન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો.
આ દરમિયાન ભારે વરસાદ અને પવનને કારણે અનેક વૃક્ષો ઉખડી ગયા. વીજળી પુરવઠો ખોરવાઈ ગયો અને હવાઈ અને રેલ સેવાઓને ભારે અસર થઈ. ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેને ગંભીર ચક્રવાતી તોફાન જાહેર કર્યું છે અને આગામી 24 કલાક સુધી સતર્ક રહેવાની ચેતવણી જારી કરી છે. થાઈલેન્ડે આ તોફાનનું નામ મોન્થા રાખ્યું છે, જેનો થાઈ ભાષામાં અર્થ સુગંધિત ફૂલ થાય છે.
અરબી સમુદ્રમાં સમાંતર ઓછા દબાણવાળા ક્ષેત્ર દ્વારા સંચાલિત ચક્રવાત મોન્થાએ દેશના ઘણા ભાગોમાં વિનાશ અને ચિંતા પેદા કરી છે. દેશના બંને દરિયાકાંઠાના વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે, જ્યારે તેની અસરથી ઉત્તર ભારતમાં હવામાનમાં અચાનક ફેરફાર થઈ રહ્યા છે.
હાલમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં સેંકડો ઘરો અને વૃક્ષોને નુકસાન થયું છે. મંગળવાર માટે વિશાખાપટ્ટનમ એરપોર્ટથી તમામ 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
વિજયવાડા અને તિરુપતિ એરપોર્ટ પરથી ડઝનબંધ ફ્લાઇટ્સ પણ સ્થગિત કરવામાં આવી છે. રેલવેએ દક્ષિણ મધ્ય અને પૂર્વ તટના ટ્રેક પર સોથી વધુ ટ્રેનો રદ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ત્રણેય ઝોન - પૂર્વ તટ, દક્ષિણ તટ અને દક્ષિણ મધ્યને હાઇ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે. તેમણે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા, સપ્લાય ચેઇન જાળવવા અને તાત્કાલિક રાહત કામગીરી ફરી શરૂ કરવા માટે વિભાગીય યુદ્ધ ખંડ સક્રિય કર્યા છે.
MD મુજબ, મોન્થાની અસર ફક્ત દરિયાકાંઠાના વિસ્તારો સુધી મર્યાદિત રહેશે નહીં. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલી આ સિસ્ટમે દેશના ઘણા ભાગોમાં હવામાનને અસર કરી છે. ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. કોલકાતા અને દક્ષિણ બંગાળના મેદિનીપુર, પુરુલિયા, બર્ધવાન, બીરભૂમ અને મુર્શિદાબાદ જિલ્લાઓમાં 31 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ઊંચા મોજાંને કારણે માછીમારોને દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ચક્રવાતની અસર આગામી એક કે બે દિવસમાં ઉત્તર ભારતમાં પહોંચશે. અરબી સમુદ્રમાં હવામાન પ્રણાલીને કારણે રાજસ્થાનના ઘણા ભાગોમાં પહેલાથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.
મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તરપ્રદેશના મોટા ભાગોમાં બે દિવસ સુધી તેની અસર રહેશે. બુધવાર સુધીમાં મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થશે. બિહાર અને ઝારખંડમાં પણ વરસાદ પડશે. દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં પણ આગામી 48 કલાકમાં હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને પ્રદૂષણના સ્તરમાં કામચલાઉ સુધારો થઈ શકે છે.
IMDએ જણાવ્યું હતું કે ચક્રવાત બુધવાર સુધીમાં નબળું પડીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે પરંતુ તેના અવશેષો ઉત્તર તરફ આગળ વધી શકે છે અને ઉત્તર ભારતમાં હવામાનને બીજા બે-ત્રણ દિવસ સુધી અસર કરી શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
