<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

બે લાખ ભેંસોનો પિતા એવો ૯ કરોડની કિંમતનો પાડો યુવરાજ ગુજરી ગયો

૯ ફુટ લાંબો અને ૬ ફુટ ઊંચો યુવરાજ ૧૫૦૦ કિલો વજનનો જાજરમાન હોવા ઉપરાંત ખૂબ જ ફર્ટાઇલ ગણાતો પાડો હતો ભારતભરના પશુપાલકોમાં ફેમસ એવો હરિયાણાના કુરુક્ષેત્રમાં રહેતો ૨૩ વર્ષનો પાડો યુવરાજે ૨૯ વાર રાષ્‍ટ્રીય અને રાજ્‍યસ્‍તરના પશુમેળાઓમાં મુર્રા નસલનો ચૅમ્‍પિયનનો ખિતાબ જીત્‍યો હતો

કુરૂક્ષેત્ર, તા.૨૯: ભારતભરના પશુપાલકોમાં ફેમસ એવો હરિયાણાના કુરુક્ષેત્રમાં રહેતો ૨૩ વર્ષનો યુવરાજ નામનો પાડો સોમવારે ગુજરી ગયો. પશુપાલક કર્મવીર સિંહને ત્‍યાં પાળેલા આ યુવરાજની કિંમત ૯ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી હતી. ૯ ફુટ લાંબો અને ૬ ફુટ ઊંચો યુવરાજ ૧૫૦૦ કિલો વજનનો જાજરમાન હોવા ઉપરાંત ખૂબ જ ફર્ટાઇલ ગણાતો પાડો હતો. દર વર્ષે એના વીર્યમાંથી કર્મવીર સિંહને લગભગ ૮૦ લાખ રૂપિયાની કમાણી થતી હતી. તેમનો દાવો છે કે યુવરાજ લગભગ બે લાખ ભેંસોનો પિતા છે. ૨૩ વર્ષના જીવન દરમ્‍યાન યુવરાજે ૨૯ વાર રાષ્‍ટ્રીય અને રાજ્‍યસ્‍તરના પશુમેળાઓમાં મુર્રા નસલનો ચૅમ્‍પિયનનો ખિતાબ જીત્‍યો હતો. યુવરાજના પિતા યોગરાજ પણ જાન્‍યુઆરી મહિનામાં ગુજરી ગયા હતા. યુવરાજની મા ગંગાએ ૨૪ બચ્‍ચાંને જન્‍મ આપ્‍યો હતો. એવું કહેવાતું હતું કે યુવરાજના વીર્યથી જન્‍મેલી ભેંસો પહેલી જ વારના વિયાણમાં ૧૪થી ૧૬ લીટર જેટલું દૂધ આપતી હતી અને એ ત્રણથી ૪ લાખ રૂપિયામાં વેચાતી હતી. કર્મવીરે યોગીરાજ તેમ જ તેના બે દીકરાઓ યુવરાજ અને શૂરવીરને ખૂબ રાજાશાહી રીતે પાળ્‍યા છે. યુવરાજ રોજ ૨૦ લીટર દૂધ, ૧૦ કિલો ફળ, ૧૦ કિલો દાણા, ૬ કિલો વટાણા અને ચણા ખાતો હતો અને રોજ સાંજે ૬ કિલોમીટરની સેર કરવા નીકળતો હતો. શરીરને તાજુંમાજું રાખવા માટે રોજ એની તેલમાલિશ થતી એ અલગ. ટૂંકમાં એની જાળવણીમાં મહિને લાખ રૂપિયા ખર્ચાતા. જોકે આ યુવરાજની ખ્‍યાતિ એટલી હતી કે દિલ્‍હીના એક કાર્યક્રમમાં વડા પ્રધાન હાજર રહ્યા હતા અને તેમને ખબર પડી કે યુવરાજ આવ્‍યો છે તો તેઓ એને જોવા મેળામાં નીકળ્‍યા હતા.

 હવે કર્મવીર સિંહ પાસે યુવરાજનો નાનો ભાઈ શૂરવીર છે. એ હવે ૬ વર્ષનો થઈ ગયો છે અને એ પણ મુર્રા જાતિનો ચૅમ્‍પિયન બન્‍યો છે.

(2:53 PM IST)