<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

સૌરાષ્ટ્ર-કચ્‍છના વિસ્‍તારોમાં, આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

સૌરાષ્ટ્ર-કચ્‍છ પર માવઠાનું ઘેરું સંકટ : અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય : હવામાન વિભાગ દ્વારા ઓરેન્‍જ એલર્ટ જારી; બંદરો પર ૩ નંબરનું સિગ્નલઃ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચનાઃ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર એલસી-૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્‍યું: પૂર્વ-મધ્‍ય અરબી સમુદ્રમાં એક ‘ડિપ્રેશન' (હળવું દબાણ) સક્રિય થયું છે, જે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે

 

 

વાદળાઓના ભયજનક પ્રચંડ ઝુંડ સૌરાષ્‍ટ્રના સાગર કાંઠે છવાઈ ગયા : સવારે ૫ વાગ્‍યે લેવાયેલ ઈન્‍સેટ સેટેલાઈટ તસ્‍વીરમાં વાદળાઓના ભયજનક પ્રચંડ ઝુંડ સૌરાષ્‍ટ્રના સાગર કાંઠે છવાઈ ગયેલા અને સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છને ઘેરી લેવા ધસમસી રહેલા નજરે પડે છે.

નવી દિલ્‍હી/રાજકોટ, તા.૩૦: આજે વહેલી સવારે ૫ વાગ્‍યે લેવાયેલી ઇન્‍સેટ સેટેલાઇટ તસવીરોએ ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારના સંકેત આપ્‍યા છે. તસવીરોમાં સ્‍પષ્ટ દેખાય છે કે વાદળાઓના ભયજનક અને પ્રચંડ ઝુંડ સૌરાષ્ટ્રના સાગરકાંઠે છવાઈ ગયા છે અને સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્‍છને ઘેરી લેવા માટે ધસમસી રહ્યા છે. આ માત્ર સામાન્‍ય વાદળો નથી, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સક્રિય વેધર સિસ્‍ટમ્‍સનો ભાગ છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા આ અંગે સત્તાવાર ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, પૂર્વ-મધ્‍ય અરબી સમુદ્રમાં એક ‘ડિપ્રેશન' (હળવું દબાણ) સક્રિય થયું છે, જે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્‍ટમ્‍સના કારણે રાજ્‍યમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્‍છના વિસ્‍તારોમાં, આગામી બે દિવસ એટલે કે ૩૦ અને ૩૧ ઓક્‍ટોબર રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્‍યા વિસ્‍તારોમાં છે ખતરો?

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્‍છના દરિયાકાંઠાના જિલ્‍લાઓ માટે ‘ઓરેન્‍જ એલર્ટ' જારી કર્યું છે.

અતિભારે વરસાદઃ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, અને ગીર સોમનાથ જિલ્‍લામાં છૂટાછવાયા સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદઃ આ ઉપરાંત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ અને કચ્‍છ જિલ્‍લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

પવનની ગતિઃ વરસાદની સાથેસાથે દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્‍યતા છે.

કેટલાક વેધર મોડેલ્‍સ અનુસાર, આ સિસ્‍ટમ્‍સનો ટ્રેક બદલાયો છે અને તે જામનગર, મોરબી, સુરેન્‍દ્રનગર થઈને મધ્‍ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સુધી પણ વરસાદી માહોલ સર્જી શકે છે.

બંદરો પર એલર્ટ, માછીમારોને ચેતવણી

આ વેધર સિસ્‍ટમ્‍સના પગલે ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર એલસી-૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્‍યું છે, જે દરિયામાં તોફાની હવામાનની ચેતવણી આપે છે. દરિયો તોફાની બન્‍યો હોવાથી માછીમારોને આગામી સૂચના ન મળે ત્‍યાં સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

ખેડૂતોના જીવ તાળવે ચોંટ્‍યાઃ આ કમોસમી વરસાદ એટલે કે માવઠું ખેડૂતો માટે મોટી આફત બનીને આવ્‍યું છે. સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી અને અન્‍ય ખરીફ પાકો તૈયાર થઈને ખેતરોમાં પડ્‍યા છે અથવા કાપણી ચાલી રહી છે, તેવા સમયે આ વરસાદ 'પાકેલા ભાણે કોઢ' સમાન સાબિત થઈ શકે છે. તૈયાર પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિતાનું મોજું ફરી વળ્‍યું છે.

વહીવટીતંત્ર દ્વારા તમામ દરિયાકાંઠાના જિલ્‍લાઓમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.(૪૦.૧૬)

 

(10:53 AM IST)