<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

વ્‍યકિત ધાર્મિકતા કરતા ધર્મશીલ હોય તે મહત્‍વનું: પૂ. મોરારીબાપુ

‘માનસ રામયાત્રા' અંતર્ગત ભાવિકો શ્રીરામ ભકિતમાં રસતરબોળઃ ટ્રેનમાં જુદા-જુદા સ્‍થળોએ શ્રી રામનામ ગુંજયા

રાજકોટ, તા. ૩૦: પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને શ્રી રામ યાત્રા અંતર્ગત શ્રી ચિત્રકુટથી ખાસ ટ્રેન દ્વારા કથા યાત્રા શરૂ થઇ છે. જે પાંચમાં દિવસે પંપા સરોવર (કર્ણાટક) પહોંચી હતી. પૂ.મોરારીબાપુએ કહયુ કે,  એ સમયે યાદ આવે છે જ્‍યારે વર્ષો પહેલા પંપા સરોવરનાં કિનારે કથા થઈ હતી અને ઋષિમુખ પર્વત કે જ્‍યાં પ્રભુએ ચાતુર્માસ કર્યો એ વખતે કાંચીકામકોટી પીઠનાં જગદગુરૂ શંકરાચાર્ય પરમાચાર્યનો એટલો મહિમા હતો કે દરેક વાહનમાંથી નીકળતા લોકો એમને નીચે ઉતરીને પ્રણામ કરતાં.

આ જ પ્રદેશમાં હનુમાનજીનો પ્રવેશ, અંજની પહાડ અને ખૂબ જ અતિશય નૈસર્ગિક વાતાવરણ પણ છે રામચરિત માનસના અલગ-અલગ પાત્રનો પોતાનું એક અલગ વ્રત છે. દશરથ ધર્મવ્રતી છે. ઓશો કહેતા કે વ્‍યક્‍તિ ધાર્મિક હોવી જોઈએ પરંતુ ધાર્મિક્‍તા કરતા પણ ધર્મશીલ હોય એ મહત્‍વનું છે.

ભગવાન રામ તેમના ૧૪ વર્ષના વનવાસ દરમિયાન જે માર્ગ પરથી પસાર થયા હતા, તે પથ પર ટ્રેનથી નીકળેલી રામયાત્રા બુધવારે કિષ્‍કિંધા પહોંચી હતી. દેશમાં પહેલી વાર એક સ્‍પેશિયલ ભારત ગૌરવ ટ્રેન ચિત્રકૂટથી ઉપડી હતી, જે રામ વન ગમન પથ પરથી પસાર થઈને રામેશ્વર સુધી જશે. ત્‍યાંથી ટ્રેનમાં સવાર મુસાફરો ખાસ વિમાનમાં શ્રીલંકા જશે. પછી ત્‍યાંથી પુષ્‍પક વિમાનના મોડેલ પર બનાવેલા ખાસ વિમાનમાં સીધા અયોધ્‍યા પાછા ફરશે. આ રામ યાત્રા દરમિયાન મોરારિબાપુ નવ સ્‍થળે રામ કથા પણ કરશે. ગુરુવારે પ્રવર્ષણ પર્વત પર રામ કથા યોજાશે છે. આગામી ત્રણ સ્‍ટોપ રામેશ્વરમ, લંકા અને અયોધ્‍યા હશે. ૪ નવેમ્‍બરે અયોધ્‍યા પહોંચશે.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહયું કે સાધુ કોણ છે? છ વિકારોથી મુક્‍ત, કામનારહિત છે એ, દરેક અવસ્‍થામાં અચળ રહેનાર, અકિંચન, સુખધામ,અમિત બોધ પ્રાપ્ત કરનાર, મીતભોગી, સારાંશ પકડનાર, સર્જક અને પંડિત, યોગી, દરેક ક્ષણે સાવધાન રહેનાર, બધાને માન આપનાર, ધૈર્યશીલ, ગુણનો સાગર, પ્રભુચરણ પરાયણ, સમશીતલ, યમ, દમ, નિયમ, શ્રદ્ધા, ક્ષમા, મૈત્રી, દયા, શાષાનો બોધ જેને થઈ ગયો છે એવા, વિવેક, વિનય, વિરાગ, વિજ્ઞાનથી જે ભરપૂર છે, જેને દંભ નથી, ભગવત લીલાનો ગાયક હોય, બીજાના હિતમાં રતિ રાખનાર-આ સાધુનાં લક્ષણો છે. આવા સાધુઓનું સરસ્‍વતિ અને વેદ મળીને પણ વર્ણન કરવા અસમર્થ છે.

(3:45 PM IST)