તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
બિહારઃ ૨૭ ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ
રાજકારણમાં ગુના અને પૈસાનો વધતો પ્રભાવઃ ૪૦% કરોડપતિ

પટણા તા.૩૦: બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પહેલાં તબક્કાના ઉમેદવારો પર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને બિહાર ચૂંટણી વોચે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
આ રિપોર્ટમાં ૧૩૧૪માંથી ૧૩૦૩ ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાંથી ૪૨૩ એટલે કે, કુલ ૩૨ ટકા ઉમેદવારોએ પોતાના ઉપર ગુનાઇત કેસોની જાહેરાત કરી છે. વળી, ૩૫૪ ઉમેદવારો એટલે કે, ૨૭% પર ગંભીર ગુનાઇત કેસ દાખલ છે. ગંભીર કેસોમાં ૩૩ ઉમેદવારો હત્યા સાથે જોડાયેલા, ૮૬ હત્યાના પ્રયાસ અને ૪૨ મહિલા ઉત્પીડનના કેસ સાથે જોડાયેલા છે. જોકે, ૨ ઉમેદવાર એવા છે, જે દુષ્કર્મ સહિતના કેસમાં જોડાયેલા છે. આ રિપોર્ટ જણાવે છે કે, ગુનાખોરી અને રાજકારણનો સંબંધ હજુ પણ ગાઢ છે.
જન સુરાજ પાર્ટીના ૧૧૪માંથી ૫૦ (૪૪ ટકા) ઉમેદવારો પર ગુનાઇત કેસો છે. BSPના ૮૯માંથી ૧૮ (૨૦ ટકા), RJDના ૭૦માંથી ૫૩ (૭૬ ટકા), જેડીયુના ૫૭માંથી ૨૨ (૩૯ ટકા), ભાજપના ૪૮માંથી ૩૧ (૬૫ ટકા), આપના ૪૪માંથી ૧૨ (૨૭ ટકા) અને કોંગ્રેસના ૨૩માંથી ૧૫ (૬૫ ટકા) ઉમેદવાર સામે ગુનાઇત કેસો દાખલ છે. વામપંથી પાર્ટીઓની સ્થિતિ તો આનાથી પણ ખરાબ છે. સીપીઆઇ(એમએલ)ના ૧૩માંથી ૧૩ (૯૩ ટકા), સીપીઆઇ અને સીપીઆઇ(એમ)ના તમામ ઉમેદવારો (૧૦૦ ટકા) સામે ગુનાઇત કેસો દાખલ છે.
રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે ૧૩૦૩ ઉમેદવારોમાંથી ૫૧૯ ઉમેદવારો, એટલે કે ૪૦%, કરોડપતિ છે. તેમની સરેરાશ સંપત્તિ ૩.૨૬ કરોડ રૂપિયા છે. ૫૧૯ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ૫થી ૧૨ ધોરણની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે, જ્યારે ૬૫૧ ઉમેદવારો, એટલે કે ૫૦% એ ગ્રેજ્યુએટ કે તેથી વધુ હોવાનો દાવો કર્યો છે.
રિપોર્ટમાં બિહારના રાજકારણમાં ગુના, પૈસા અને શિક્ષણનો વિચિત્ર આંતરસંબંધ જોવા મળ્યો છે. જ્યારે કરોડપતિ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, ત્યારે તેમાંથી મોટી સંખ્યામાં ગંભીર ગુનાઓનો પણ આરોપ છે. આ રિપોર્ટ ચૂંટણીમાં નૈતિકતા અને લોકશાહીના આદર્શો પર પ્રશ્નો ઊભા કરે છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
