<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

મૃત જાહેર કરાયેલો માણસ શબઘરમાં રાખવામાં આવ્‍યોઃ પોલીસે જોયું તો જીવતો મળી આવ્‍યો

હૈદરાબાદ,તા.૩૧: તેલંગાણાના મહબૂબાબાદ જિલ્‍લાની સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે આવેલા ૪૫ વર્ષીય વ્‍યક્‍તિને મૃત માની લેવામાં આવ્‍યો અને તેને શબઘરમાં મોકલવામાં આવ્‍યો પરંતુ બાદમાં તે જીવતો મળી આવ્‍યો. આરોગ્‍ય વિભાગે ગુરુવારે જણાવ્‍યું હતું કે આ ઘટનાની તપાસ ચાલી રહી છે. મૃત જાહેર કરાયેલા વ્‍યક્‍તિએ કહ્યું કે તે કિડનીની બીમારીની સારવાર માટે હોસ્‍પિટલમાં આવ્‍યો હતો પરંતુ તેને દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્‍યો હતો.

ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા આ વ્‍યક્‍તિએ દાવો કર્યો હતો કે, હું પાંચ દિવસ પહેલા મહબૂબાબાદ આવ્‍યો હતો. મને કિડનીની સમસ્‍યા હતી અને હું સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ થવા માંગતો હતો, પરંતુ ડોક્‍ટરે મારી સારવાર કરવાનો ઇનકાર કર્યો કારણ કે મારી પાસે આધાર કાર્ડ નહોતું અને મારી સાથે કોઈ એટેન્‍ડન્‍ટ નહોતો. મારી પાસે મારા ગામ પાછા ફરવા માટે પૈસા નહોતા, તેથી હું બે દિવસ હોસ્‍પિટલના પરિસરમાં સૂતો રહ્યો.

તે વ્‍યક્‍તિએ દાવો કર્યો હતો કે હોસ્‍પિટલના એક કર્મચારીએ તેને શોધી કાઢ્‍યો હતો અને તેને શબઘરની સામે એક બેન્‍ચ પર સુવડાવ્‍યો હતો. બાદમાં, બુધવારે રાત્રે, કેટલાક અજાણ્‍યા લોકો, તેને મૃત સમજીને, તેને શબઘરની અંદર લઈ ગયા. પોલીસે જણાવ્‍યું હતું કે શબઘરના કર્મચારીઓ પાસેથી એક અજાણ્‍યા વ્‍યક્‍તિના મૃતદેહની માહિતી મળતાં, તેઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા અને તપાસ કરતાં જાણવા મળ્‍યું કે તે જીવિત છે. તેને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો

પોલીસે જણાવ્‍યું હતું કે આ સંદર્ભમાં કોઈ કેસ નોંધવામાં આવ્‍યો નથી. તે વ્‍યક્‍તિના દાવા અંગે કે તેને મૃત સમજીને શબઘરમાં લઈ જવામાં આવ્‍યો હતો, એક આરોગ્‍ય અધિકારીએ જણાવ્‍યું હતું કે ડોકટરો દ્વારા તેની તપાસ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

(9:47 AM IST)