News of Friday, 31st October 2025
કાલથી અમલમાં આવતા ફેરફારો ધ્યાનમાં રાખી લેજો
બેન્કિંગ નિયમો અને કેટલીક સિટિઝન-સેન્ટ્રિક સર્વિસિસમાં મહત્ત્વના ફેરફાર થઈ રહ્યા છે

નવી દિલ્હી,તા.૩૧: ૧ નવેમ્બરથી કેટલાક બેન્કિંગ નિયમો અને કેટલીક સિટિઝન-સેન્ટ્રિક સર્વિસિસમાં મહત્ત્વના ફેરફાર થઈ રહ્યા છે.
બેન્કમાં ૧ નવેમ્બરથી દરેક અકાઉન્ટ-હોલ્ડર વધુમાં વધુ ૪ નોમિનીનું નામ લખાવી શકશે. ડિપોઝિટ અકાઉન્ટ, સેફટી ડિપોઝિટ બોક્સ કે સિક્યોર કસ્ટડીમાં રહેલી માલમતા માટે ૪ નોમિની નોંધાવી શકશે. અત્યાર સુધી મોટા ભાગની બેન્કોમાં એક અકાઉન્ટ માટે માત્ર એક નોમિની નોંધાવવાની સુવિધા હતી.
નોમિનીનાં ચારેય નામને એકસાથે અથવા તો ક્રમવાર નોમિની તરીકે પણ નોંધાવી શકાશે. એક, બે, ત્રણ કે ચાર... જેટલા નોમિની હોય એ દરેક માટે અકાઉન્ટ-હોલ્ડર ૨૫, ૫૦ કે જેટલા ટકા હિસ્સો નક્કી કરવો હોય એટલો હિસ્સો નક્કી કરીને રાખી શકશે. જોકે લોકર ફેસિલિટીમાં એકથી વધુ નોમિની ક્રમવાર નોંધાવી શકાશે, પણ તેમના માટે હિસ્સો વહેંચવાની સુવિધા નહીં હોય.
હવેથી અકાઉન્ટ ખોલતી વખતે જ બેન્ક-કર્મચારીએ ગ્રાહકને નોમિનીની સુવિધા વિશે સામેથી જાણકારી આપવી પડશે. જો ગ્રાહક પોતે નોમિનીનું નામ લખવાની ના પાડે તો લેખિતમાં તેનું ડેક્લેરેશન લઈને પછી બેન્ક તેનું અકાઉન્ટ ઓપન કરી શકશે. જોકે ગ્રાહક ડેક્લેરેશનની ના પાડે તો એ વાતની વિગતવાર નોંધ કરીને બેન્ક-અકાઉન્ટ ઓપન કરી શકશે. કોઈ પણ સંજોગોમાં નોમિનીનું નામ લખાવાની ના પાડવાને કારણે ગ્રાહકને અકાઉન્ટ ઓપન કરવાથી વંચિત નહીં રખાય.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કાર્ડધારકો માટે કેટલાક ટ્રાન્ઝેક્શન્સના ફી-સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ દ્વારા થતાં એજ્યુકેશન-સંબંધિત પેમેન્ટ્સ પર ૧ ટકા ચાર્જ લાગશે. જોકે સ્કૂલ, કોલેજ કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને ઑફિશ્યલ વેબસાઇટથી ડાયરેક્ટ કરવામાં આવેલા પેમેન્ટ્સ પર કોઈ ચાર્જ નહીં લાગે. અમુક મર્ચન્ટ કેટેગરીઝમાં હવે લ્ગ્ત્ કાર્ડથી વોલેટમાં ૧૦૦૦ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી તો એના પર પણ ૧ ટકા ચાર્જ લાગશે.
પંજાબ નેશનલ બેન્ક (PNB) દ્વારા લોકરની રેન્ટલ ફીમાં ૨૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. તમામ કેટેગરી અને તમામ વિસ્તારોમાં આ ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં જ જાહેર થઈ ગયેલા આ ઘટાડા સાથેની રકમ પ્રમાણેની રેન્ટલ ફી ૧૫ નવેમ્બરથી ગણવામાં આવશે.
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માંથી નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)માં શિફટ થવા માગતા હોય એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે ૩૦ નવેમ્બર સુધી આ પરિવર્તન કરી શકશે. સૌથી પહેલાં આ ડેડલાઇન ૩૦ જૂનની હતી, જે બે વાર લંબાવવામાં આવી છે. નિવૃત્ત કર્મચારીઓ અથવા મૃત કર્મચારીના કાયદેસર જીવનસાથીઓ પણ આ સમયમાં NPSમાંથી UPSમાં સ્વિચ થઈ શકે છે.
આધાર કાર્ડમાં પરિવર્તન માટે હવે ક્યાંય નહીં જવું પડે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા અગાઉથી જાહેર કરવામાં આવેલાં પરિવર્તનો ૧ નવેમ્બરથી અમલમાં આવશે. નાગરિકોએ હવે નામ, સરનામું, ડેટ ઓફ બર્થ, મોબાઇલ નંબર કે ઈ-મેઇલ જેવી વિગતોમાં કોઈ પણ ફેરફાર માટે આધાર સેવા કેન્દ્ર પર નહીં જવું પડે, એ માટેની બધી પ્રક્રિયા હવે ઑનલાઇન થઈ શકશે
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
