News of Friday, 31st October 2025
અકોલાના ખેડૂતોની ક્રૂર મશ્કરીઃ ફક્ત ત્રણથી ૨૧ રૂપિયાનું વળતર અપાયું
અતિવૃષ્ટિમાં લાખોના નુકસાન સામે દાઝ્યા પર ડામ : રોષે ભરાયેલા ખેડૂતોએ કલેકટર ઓફિસ સામે ધરણા કરીને ચેક પાછા સોંપ્યા

મુંબઈ,તા.૩૧: મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં અતિવૃષ્ટિ વખતે જેમના ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો હતો એ ખેડૂતો પૈકી કેટલાક ગામડાના કિસાનોને કેન્દ્રીય પાકવીમા યોજના હેઠળ ફક્ત ૩ રૂપિયાથી લઈને ૨૧ રૂપિયાનું વળતર ચૂકવાયું છે. આટલા ઓછા વળતરને ખેડૂતોના અપમાન અને હાંસી સમાન ગણાવવામાં આવ્યું છે.
જે પૈસામાંથી ચણા- મમરા પણ ન આવે એટલી નજીવી રકમનું વળતર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ દિવાળી પહેલાં ચૂકવાતા રોષે ભરાયેલા ખેડૂતોએ આજે અકોલામાં જિલ્લા કલેકટર ઓફિસ સામે ધરણા કર્યા હતા અને વળતરની રકમના વ્યક્ત કરતા કહ્યું હતું કે આ તો ખેડૂતોને દાઝયા ઉપર ડામ આપવા સમાન છે.
સપ્ટેમ્બર મહિનામાં અકોલા જિલ્લમાં સતત પડેલા મુશળધાર વરસાદમાં સોયાબીન, કપાસ અને મગનો પાક ધોવાઈ ગયો હતો. રાજ્ય ટ્ટ સરકારે એવી હૈયાધારણ આપી હતી કે દિવાળી પહેલાં નુકસાનીનું વળતર ચૂકવાઈ જશે. પરંતુ વચન પાળવામાં નથી આવ્યું એવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. બીજા કેટલાંક કિસાનોએ જણાવ્યું હતું કે સરકરા પાસે ભંડોળ હોવા છતાં ખેડૂતોને ચૂકવવામાં વિલંબ થયો છે. કેટલાંકે સ્થાનિક રેવેન્યૂ સ્ટાફની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ વળતરની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થાય છે. પરંતુ અનેક ખેડૂતોન ાખાતામાં ફક્ત ૩ રૂપિયા કે ૨૧ રૂપિયા જમા થયા છે. સાવ નહિવત વળતર ચૂકવાતા રોષે ભરાયેલા દિનોડા, કાવસા ગામડાના ખેડૂતોએ આજે કલેકટર ઓફિસ સામે ધરણા કર્યા હતા અને ચેક પાછા આપી દીધા હતા. કિસાન સંગઠનોએ માગણી કરી છે. સરકાર આ જે વળતર ચૂકવાયું છે તેની સમીક્ષા કરે અને ખરેખર ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનું પંચનામું કરીને વળતર ચૂકવે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
