News of Friday, 31st October 2025
ગિરનાર લીલી પરિક્રમા રદ : માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે :જુઓ વિડીયો
સતત વરસેલા વરસાદને કારણે પરિક્રમા રૂટ ઉપર ચાલવુ મુશ્કેલ બન્યું : કલેકટર અનિલકુમાર રાણાવસીયા અને સાધુ-સંતોએ રૂટનું નિરિક્ષણ કર્યા બાદ નિર્ણય કર્યો

તસ્વીરમાં જુનાગઢના ગીરનાર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરતા સાધુ-સંતો તથા વહીવટી તંત્રના અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૩૧ : ગિરનાર ક્ષેત્રમાં કમોસમી વરસાદના ઝાપટા વરસતા ગિરનાર પરિક્રમા રસ્તા ખરાબ થઈ ગયા છે જેના કારણે વહીવટી તંત્ર અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાને રદ કરવામાં આવી છે.
ખાલી પ્રતિકાત્મક પરિક્રમા કાલે પહેલી તારીખે રાત્રિના મુહૂર્ત સાચવવા માટે સાધુ સંતો અને અમુક ભાવિકો નીકળશે. બાકી જાહેર જનતા માટે પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્રએ કરી લીધો છે.
પરિક્રમા સંબંધી આજે બપોરે ૩.૩૦ કલાકે કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પરિક્રમા ૨૦૨૫ સર્વગ્રાહી સમીક્ષા બાદ પ્રેસ કોન્ફરન્સ કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવી હતી. તેમાં અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
આ અંગે કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ જણાવ્યું હતું કે, ગિરનાર પરિક્રમાના ૩૬ કીલોમીટરના રૂટ ઉપર કિચડનું સામ્રાજય છવાયું છે. જેના કારણે લોકોને ચાલવું મુશ્કેલ થઇ ગયું છે. જેથી સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા સહિતના હોદેદારો તથા સાધુ-સંતોએ રૂટ ઉપર નિરીક્ષણ કર્યુ હતું. ત્યાર બાદ આ પરિક્રમા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કલેકટર દ્વારા જણાવાયું છે કે, આ વર્ષે કમોસમી વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકોએ પણ સાથ સહકાર આપવો જરૂરી છે. કોઇ લોકો ગિરનાર પરિક્રમામાં ફસાઇ જાય અને કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રએ આ નિર્ણય સૌને સાથે રાખીને કર્યો છે. (૪.૧૫)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
