<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

માઇક્રોસોફટના CEO સત્‍ય નડાલ ડિસેમ્‍બરમાં ભારત આવશે : એઆઇની ભાગીદારી મજબૂત કરશે

ભારત-અમેરિકા વચ્‍ચે ટેકનોલોજી સંબંધો નવા તબક્કામાં પ્રવેશ કર્યો છે

નવી દિલ્‍હી, તા. ૩૧:  ભારતમાં આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (AI)ના વધતા પ્રભાવ અને ટેકનોલોજીકલ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે માઈક્રોસોફ્‌ટના CEO સત્‍ય નડાલ ડિસેમ્‍બર મહિનામાં ભારતની મુલાકાત લેશે. અહેવાલ મુજબ, નડાલ દિલ્‍હી, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે, જ્‍યાં તેઓ સરકારી અધિકારીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ કંપનીના કર્મચારીઓ સાથે મુલાકાત કરશે. નડાલ તેમના પ્રવાસ દરમિયાન એઆઈ સંબંધિત અનેક મહત્‍વપૂર્ણ કોન્‍ફરન્‍સોમાં હાજરી આપશે અને સંબોધન કરશે. હજી સુધી માઈક્રોસોફ્‌ટ તરફથી તેમની આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ઉદ્યોગજગતના જાણકારો માની રહ્યાં છે કે આ પ્રવાસ કંપની માટે કૌશલ્‍ય અને રોકાણના દૃષ્ટિકોણે અત્‍યંત મહત્‍વનો છે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્‍યારે ભારત અને અમેરિકા વચ્‍ચેના ટેક્રોલોજીકલ સંબંધો નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. બંને દેશો તાજેતરના મતભેદોને પાછળ રાખીને ટેક્રોલોજી સહકાર પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યા છે. બીજી તરફ, ભારત સરકાર ‘મેક ઈન ઇન્‍ડિયા' અભિયાન અંતર્ગત દેશી એપ્‍સ અને સેવાઓને પ્રોત્‍સાહન આપી રહી છે, જેના કારણે ઝોહો કોર્પોરેશન જેવી ભારતીય કંપનીઓ માઈક્રોસોફ્‌ટ જેવા દિગ્‍ગજોના વિકલ્‍પ તરીકે ઉભરી રહી છે.

(3:13 PM IST)