<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

UKSSSC પેપર લીક: CBIનું ફોકસ હવે 'ડિજિટલ પુરાવા' પર! – વોટ્સએપ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ

સીબીઆઈ ટીમ ટૂંક સમયમાં જ હરિદ્વારમાં આવેલી આદર્શ બાલ સદન ઇન્ટર કોલેજની મુલાકાત લેશે. આ તે પરીક્ષા કેન્દ્ર છે જ્યાંથી ૨૧ સપ્ટેમ્બરના રોજ પેપર થયું હતું લીક

દેહરાદૂન (ઉત્તરાખંડ) : ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન (UKSSSC) પેપર લીક કેસની તપાસ હવે સીબીઆઈ (CBI) દ્વારા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા ૨૯ સપ્ટેમ્બરે યુવાનોને અપાયેલા આશ્વાસન બાદ કેન્દ્રને આ કેસ સોંપાયો હતો. હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પાસેથી તમામ દસ્તાવેજો મેળવ્યા બાદ સીબીઆઈનું મુખ્ય ધ્યાન ડિજિટલ પુરાવા અને ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર કેન્દ્રિત થયું છે.

વોટ્સએપ નેટવર્ક સ્કેન થશે: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેપર લીકનું મુખ્ય માધ્યમ વોટ્સએપ નેટવર્ક હતું. સીબીઆઈ હવે આ નેટવર્કની ઝીણવટભરી તપાસ કરશે જેથી જાણી શકાય કે: મુખ્ય આરોપી ખાલિદ કોના સંપર્કમાં હતો. પ્રશ્નપત્રની સાંકળ ક્યાંથી શરૂ થઈ અને ક્યાં સુધી ફેલાઈ. આ ગેરરીતિમાં અન્ય કયા મોટા માથા કે અધિકારીઓ સામેલ છે.

સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં જ ઘણા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવશે, જે ડિજિટલ પુરાવાઓના આધારે થશે.

પરીક્ષા કેન્દ્રની મુલાકાત અને ભાજપ નેતા પર શંકા: સીબીઆઈ ટીમ ટૂંક સમયમાં જ હરિદ્વારમાં આવેલી આદર્શ બાલ સદન ઇન્ટર કોલેજની મુલાકાત લેશે. આ તે પરીક્ષા કેન્દ્ર છે જ્યાંથી ૨૧ સપ્ટેમ્બરના રોજ પેપર લીક થયું હતું.

જામરની તપાસ: તપાસ એજન્સી ફરી એકવાર ત્યાં હાજર સ્ટાફની પૂછપરછ કરશે અને એ પણ તપાસ કરશે કે પરીક્ષાના દિવસે બે રૂમમાં જામર (Jammer) કાર્યરત હતા કે નહીં.

ભાજપ નેતાની સંડોવણી? SIT રિપોર્ટ મુજબ, ભાજપ નેતા ધર્મેન્દ્ર ચૌહાણ આ કોલેજના ટ્રસ્ટી હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે પરીક્ષાના એક દિવસ પહેલા ખાલિદે શાળાની દિવાલ પર ચઢીને મોબાઇલ ફોન છુપાવ્યો હતો, જેનો ઉપયોગ પેપર લીક માટે થયો. સીબીઆઈ હવે આ તમામ એંગલની ઊંડાણપૂર્વક તપાસ કરશે.

ખાલિદના જૂના કૌભાંડની કડીઓ: સીબીઆઈ હવે મુખ્ય આરોપી ખાલિદ વિરુદ્ધ મેરઠના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના કેસના દસ્તાવેજોની પણ તપાસ કરશે. આનાથી ખાલિદ કયા મોટા "ચીટિંગ સિન્ડિકેટ" સાથે સંકળાયેલો છે અને તેની પાછળ કયા અગ્રણી વ્યક્તિઓનો હાથ છે, તેની કડીઓ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, પેપર લીક થયા બાદ ઉત્તરાખંડ બેરોજગાર સંગઠનના સભ્યો બોબી પંવારના નેતૃત્વમાં રાજ્યભરમાં જોરદાર આંદોલન થયું હતું, જેના દબાણમાં સરકારે પહેલા પરીક્ષા રદ કરી અને પછી CBI તપાસની ભલામણ કરી.

 

(6:05 PM IST)