News of Friday, 31st October 2025
ન્યૂયોર્કમાં 'ક્લાઉડ બર્સ્ટ': મહાતારાજી: રેકોર્ડબ્રેક વરસાદે શહેરને કર્યું જળબંબાકાર: જેએફકે, લાગાર્ડિયા સહિત ત્રણેય મુખ્ય એરપોર્ટ ઠપ્પ: હજારો ફ્લાઇટ્સ રદ: ૨ મોત
ભયાનક વાવાઝોડા અને 'ક્લાઉડ બર્સ્ટ' સમાન મુશળધાર વરસાદે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું

ન્યૂયોર્ક: ૩૦ ઓક્ટોબરના રોજ ન્યૂયોર્ક શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અભૂતપૂર્વ ભારે વરસાદ સાથે 'ક્લાઉડ બર્સ્ટ' થતા આ મહાનગરને ઘૂંટણિયે પાડી દીધું હતું.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) દ્વારા જેએફકે, લાગાર્ડિયા અને નેવાર્ક એરપોર્ટ પર 'ગ્રાઉન્ડ સ્ટોપ' (વિમાન સંચાલન રોકવાનો આદેશ) જાહેર કરવાની ફરજ પડી હતી. આના કારણે હજારો મુસાફરો ફસાયા હતા અને સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
શહેરમાં પૂરના કારણે બે લોકોના દુઃખદ અવસાન પણ થયા છે.
વિગતવાર જોઈએ તો અમેરિકાના સૌથી વ્યસ્ત શહેર ન્યૂયોર્કમાં ગુરુવારે આવેલા ભયાનક વાવાઝોડા અને 'ક્લાઉડ બર્સ્ટ' સમાન મુશળધાર વરસાદે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું હતું.
વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વરસાદે છેલ્લા ઘણા દાયકાઓના રેકોર્ડ તોડી નાખ્યા હતા.
એરપોર્ટ પર અંધાધૂંધી; એફએએનો 'ગ્રાઉન્ડ સ્ટોપ' આદેશ:
ભારે વરસાદ અને ૫૦ માઇલ – ૮૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ સલામતીના કારણોસર ન્યૂયોર્ક ક્ષેત્રના ત્રણ મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ - જ્હોન એફ કેનેડી (જેએફકે), લાગાર્ડિયા (એલજીએ), અને નેવાર્ક લિબર્ટી (ઇડબ્લ્યુઆર) - પર તાત્કાલિક 'ગ્રાઉન્ડ સ્ટોપ' લાગુ કર્યો હતો.
આ આદેશને કારણે વિમાનોનું ઉડ્ડયન અને લેન્ડિંગ સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યું હતું. પરિણામે, સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને હજારો ફ્લાઇટ્સ કલાકો સુધી વિલંબિત થઈ હતી.
એક્સ, ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પર મુસાફરોએ પોસ્ટ કરેલા વિડિયો અને તસવીરોમાં ટર્મિનલ પરની અંધાધૂંધી અને લાંબી કતારો સ્પષ્ટ દેખાતી હતી. અહેવાલો મુજબ, નેવાર્ક એરપોર્ટ પર અઢી કલાક સુધી અને લાગાર્ડિયા પર નેવું મિનિટ સુધીનો સરેરાશ વિલંબ નોંધાયો હતો.
વરસાદે દાયકાઓ જૂના રેકોર્ડ તોડ્યા: હવામાન વિભાગના આંકડા મુજબ, આ વરસાદ અભૂતપૂર્વ હતો. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે 'એક્સ' પર જણાવ્યું કે, "આ વાવાઝોડાએ ૩૦ ઓક્ટોબરના વરસાદના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મોટાભાગનો વરસાદ માત્ર દસ મિનિટના ટૂંકા ગાળામાં જ ખાબક્યો હતો."
લાગાર્ડિયા એરપોર્ટ: અહીં ૨.૦૯ ઇંચ વરસાદ નોંધાયો, જેણે ૧૯૫૫નો રેકોર્ડ તોડ્યો.
સેન્ટ્રલ પાર્ક: અહીં ૧.૮૫ ઇંચ વરસાદ પડ્યો, જે ૧૯૧૭ (ઓગણીસ સત્તર) પછીનો આ તારીખનો સૌથી વધુ વરસાદ હતો.
નેવાર્ક એરપોર્ટ: અહીં પણ ૨.૦૪ ઇંચ વરસાદ સાથે ૧૯૫૫ (ઓગણીસ પંચાવન)નો રેકોર્ડ તૂટ્યો હતો.
આ 'ક્લાઉડ બર્સ્ટ'ની અસર માત્ર એરપોર્ટ પૂરતી સીમિત નહોતી. યૂટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર વાયરલ થયેલા વિડિયોમાં ન્યૂયોર્કના સબવે (મેટ્રો) સ્ટેશનોમાં પાણીના ધસમસતા પ્રવાહ અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયાના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ દુર્ઘટનામાં, બ્રુકલિન અને મેનહટનમાં બે અલગ-અલગ સ્થળોએ રહેણાંક ઇમારતોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી બે વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાના દુઃખદ સમાચાર મેયર એડમ્સ દ્વારા પુષ્ટિ કરવામાં આવ્યા હતા.
એરપોર્ટ સત્તાવાળાઓ અને એરલાઇન્સે તમામ ડિજિટલ માધ્યમો પર મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ ચકાસવા માટે સતત અપીલ કરી હતી.
જોકે, હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ ફ્લાઇટ્સનું સમયપત્રક પૂર્વવત થવામાં હજુ સમય લાગી શકે છે
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
