<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

મહાકુંભ બાદ હવે પુષ્‍કરના મેળામાં જોવા મળી નશીલી આંખોવાળી નવી ‘મોનાલિસા'

પુષ્‍કરની સુમન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છેઃ તેને પુષ્‍કરની મોનાલિસા નામ આપવામાં આવ્‍યું છે

અજમેર,તા.૦૧: અજમેર જિલ્‍લાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક પુષ્‍કર મેળામાં નશીલી આંખોવાળી નવી મોનાલિસા સામે આવી છે. સુમન નામની આ મહિલાની સુંદર આંખો અને તેનો પહેરવેશ ખાસ ચર્ચામાં છે. આ નવી મોનાલિસાની ફોટો લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. રાત-દિવસ મળી રહેલી આ ફેમ જોઈ ખુદ આ મહિલા પણ ચોંકી ગઈ છે. આ મોનાલિસાનું કહેવું છે કે જો તેને મોકો મળે તો તે રાજસ્‍થાની ફિલ્‍મોમાં કામ કરવા માગે છે. કાલબેલિયા સમાજની સુમન શાનદાર ડાન્‍સર પણ છે.

પુષ્‍કરની સુમન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેને પુષ્‍કરની મોનાલિસા નામ આપવામાં આવ્‍યું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જે રીતે પોતાની આંખોને લઈને ફેમસ થયેલી વાયરલ ગર્લ મોનાલિસા અચાનક જ ઈન્‍ટરનેટ પર સનસની બની ગઈ હતી અને પછી ફિલ્‍મોમાં ઓફર મળવા લાગી, ઠીક આવી જ રીતે પુષ્‍કરની સુમન સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. દરરોજ તેના અસંખ્‍ય ફોટો અને વીડિયો લોકો વાયરલ કરી રહ્યા છે.

પુષ્‍કરના રેતીલા ધોરોમાં પહોંચેલી આ મોનાલિસાએ જણાવ્‍યું કે તે પોતાની આંખો માટે ફેમસ થઈ છે. તેની આંખોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. સુમને જણાવ્‍યું કે તે રેતીલા ધોરોમાં જ પોતાના પરિવાર સાથે રહે છે. તે કાલબેલિયા સમાજમાંથી આવે છે. તેની માતાની આંખો પણ તેના જેવી જ છે. તે આંખોમાં સુરમા લગાવે છે. તે અલગ અલગ જિલ્‍લા અને રાજ્‍યોમાં કાલબેલિયા ડાન્‍સ માટે જાય છે.

ન્‍યૂઝ ૧૮ સાથે વાત કરતા મોનાલિસા ખૂબ જ શરમાતી દેખાઈ રહી છે. સુમને કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો તેને ખૂબ પસંદ કરે છે. આ તેના માટે ખુશીની વાત છે. આશા છે કે આવનારા દિવસોમાં તેને પણ ફિલ્‍મોમાં કામ કરવાનો મોકો મળશે. જો તેને આવું કરવાનો મોકો મળશે તો તે રાજસ્‍થાની ફિલ્‍મોમાં કામ કરવાનું પસંદ કરશે. નશીલી આંખોને લઈને યૂઝર પુષ્‍કરના મેળામાં મોનાલિસાને શોધતા હોય છે.

(9:51 AM IST)