હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેકાબૂ થયેલી ટ્રક ફરી વળીઃ ૧૫૦થી વધારે ઘેટાના મોત
દુર્ઘટના બાદ ચારે તરફ મરેલા જાનવરોની લાશ પડેલી હતીઃ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને સૂચના આપી અને હાઈવે પર જામ લાગી ગયોઃ કેટલાય કિમી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો

સિદ્ધાર્થનગર તા.૧: ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે ૭૩૦ પર ઢેબરુઆથી ૩૦૦ મીટર પહેલા ઔરહવા ગામની નજીક શુક્રવારે મોડી સાંજે એક બેકાબૂ ટ્રકે ૨૦૦થી વધારે ઘેટાને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાંથી ૧૦૦થી વધારે ઘેટાના મોત થઈ ગયા છે. રોડ પર એટલો ભયાનક નજારો હતો કે ભલાભલાના રુંવાડા ઊભા થઈ જાય. ઘટનાના સમયે ઘેટાનું ટોળું બઢનીથી ઢેબરુઆ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલી ટ્રક અચાનક બેકાબૂ થઈ અને ટોળાને રગદોળતા નીકળી ગઈ. દુર્ઘટના બાદ ચારે તરફ મરેલા જાનવરોની લાશ પડેલી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને સૂચના આપી અને હાઈવે પર જામ લાગી ગયો. કેટલાય કિમી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો.
દુર્ઘટનાને અંજામ આપ્યા બાદ ટ્રક ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે નાકાબંધી કરી તરત તેનો પીછો કર્યો અને લગભગ ૨૪ કિમી દૂર શોહરતગઢમાં ભાગી રહેલા ટ્રકને પકડી લીધો. ડ્રાઈવરની ધરપકડ કરી અને તેની સાથે પૂછપરછ થઈ રહી છે. ટ્રકને પોલીસે સ્ટેશને લઈ કબજામાં લીધો છે.
ઢેબરુઆ પોલીસ અને પ્રશાસનિક અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાઈવે પર પડેલા ઘેટાને જેસીબીની મદદથી રોડ કિનારે એકઠા કર્યા, જેથી વાહન વ્યવહાર શરૂ થઈ શકે. મોડી રાત સુધી રાહત અને સાફ સફાઈનું કામ ચાલતું હતું. દુર્ઘટના બાદ ગામલોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે જો પ્રશાસન ટ્રકોની સ્પીડ પર કાબૂ રાખે તો આટલું મોટું નુકસાન ન થાય.
આ દુર્ઘટનાથી ઔરહવા ગામ અને આજુબાજુના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જે પશુપાલકનું આખું ટોળું આ અકસ્માતમાં ખતમ થઈ ગયું છે, તેમની સામે હવે રોજીરોટીનું મોટું સંકટ ઊભું થયું છે. ગામલોકોએ સરકાર પાસેથી વળતરની માગ કરી છે. પશુપાલકનું કહેવું છે કે તેઓ આ જાનવર પર જ નિર્ભર હતા, દુર્ઘટના બાદ તેમનું બધું છીનવાઈ ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
