<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

૪ નવેમ્‍બર સુધીમાં એશિયા કપની ટ્રોફી અમને સોંપો નહિં તો જોયા જેવી

બીસીસીઆઈએ પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડને કડક શબ્‍દોમાં ચેતવણી આપી

નવી દિલ્‍હીઃ ટીમ ઈન્‍ડિયાએ દુબઈમાં ફાઈનલમાં પાકિસ્‍તાનને હરાવીને એશિયા કપ ૨૦૨૫નો ખિતાબ જીત્‍યો હતો, પરંતુ એક મહિના પછી પણ ભારતને હજુ સુધી ટ્રોફી મળી નથી. પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવી ટ્રોફી ભારતને સોંપવા નાટક રચી રહ્યા છે. બીસીસીઆઈએ ચેતવણી આપી છે કે મોહસીન નકવી એક કે બે દિવસમાં ટીમ ઈન્‍ડિયાએ એશિયા કપ ટ્રોફી નહિં આપે તો મોટી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

બીસીસીઆઈના સચિવ દેવતજી સૈકિયાએ સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું છે કે જો એશિયા કપ ટ્રોફી તેના હકદાર માલિક, ટીમ ઈન્‍ડિયા સુધી ૪ નવેમ્‍બર સુધીમાં નહીં પહોંચે, તો તેઓ દુબઈમાં આઈસીસીની બેઠકમાં આ મુદો ઉઠાવશે. સમાચાર એજન્‍સી પીટીઆઈના અહેવાલ મુજબ, દેવતજી સૈકિયાએ કહ્યું અમે નિરાશ છીએ કે એક મહિના પછી પણ ટ્રોફી અમને સોંપવામાં આવી નથી.

સૈકિયાએ વધુમાં જણાવ્‍યું હતું કે લગભગ ૧૦ દિવસ પહેલા, અમે એશિયન ક્રિકેટ કાઉન્‍સિલના પ્રમુખ મોહસીન નકવીને પત્ર લખીને ટ્રોફી ભારત પરત કરવાની માંગ કરી હતી, પરંતુ તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ટ્રોફી હજુ પણ તેમની પાસે છે, પરંતુ અમને આશા છે કે તે એક કે બે દિવસમાં મુંબઈમાં બીસીસીઆઈના મુખ્‍ય કાર્યાલયમાં પહોંચી જશે. બીસીસીઆઈ વતી, અમે આ મામલાને ઉકેલવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ, અને હું ભારતના લોકોને ખાતરી આપી શકું છું કે ટ્રોફી ભારત પરત કરવામાં આવશે. કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી, પરંતુ તે એક દિવસમાં પહોંચી જશે.

(3:08 PM IST)