<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ICC મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં વરસાદનું વિઘ્ન નડશે ? :જાણો નવી મુંબઈમાં કેવું રહેશે હવામાન

રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ નવી મુંબઈમાં રમાશે,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ નવી મુંબઈમાં રમાશે, જ્યાં ભારતીય ટીમે સેમિફાઈનલ રમી હતી. તે મેચમાં પણ વરસાદની અપેક્ષા હતી, પરંતુ હવામાન સારું હતું. શું ફાઈનલમાં પણ આવું જ થશે?તેવી ચર્ચા જાગી છે 

  આઠ વર્ષ પછી, ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ફરી એકવાર તેની રાહનો અંત લાવવાની તક મળી છે. 2017ના વર્લ્ડ કપ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરતી ભારતીય ટીમ હવે 2 નવેમ્બર, રવિવારના રોજ પોતાના ચાહકો સામે ઘરની ધરતી પર ઈતિહાસ રચી શકે છે. તેમને દક્ષિણ આફ્રિકા તરફથી એક મુશ્કેલ પડકારનો સામનો કરવો પડશે, જેની સામે તેઓ પહેલાથી જ લીગ તબક્કામાં હારનો સામનો કરી ચૂક્યા છે. જોકે, આ વખતે, ભારતીય ટીમ વધુ મજબૂત અને આત્મવિશ્વાસપૂર્ણ રહેશે. પરંતુ શું હવામાન ટીમ ઈન્ડિયાને ટાઈટલ જીતતા અટકાવશે, કે પછી તે પોતાની મહેરબાની બતાવશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપ ફાઈનલ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ જ મેદાન પર ટીમ ઈન્ડિયાએ બીજા સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને રેકોર્ડ રન ચેઝ કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તે સેમિફાઈનલ મેચ પર પણ વરસાદનો ભય હતો, પરંતુ હવામાન ભારતીય ટીમને અનુકૂળ રહ્યું અને જેમીમા રોડ્રિગ્ઝે કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ટીમ ઈન્ડિયાને યાદગાર વિજય અપાવી હતી 

શું રવિવારે હવામાન આ પ્રકારનું રહેશે? હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવાર, 2 નવેમ્બરના રોજ નવી મુંબઈમાં વરસાદ પડી શકે છે. આ વરસાદ મુખ્યત્વે સવારે 4 થી 7 વાગ્યાની વચ્ચે થવાની સંભાવના છે. જોકે, સાંજે હળવો વરસાદ પણ થવાની સંભાવના છે. Accuweather ના મતે, સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે હળવો વરસાદ પડી શકે છે. જો આવું થાય, તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટાઈટલ મેચમાં વિક્ષેપ પડી શકે છે અને થોડી ઓવરો ઓછી થઈ શકે છે.

જોકે, રાહત એ છે કે બાકીની રાત સુધી વરસાદના કોઈ સંકેત નહોતા. જોકે, રવિવારે આ આગાહીઓ બદલાઈ શકે છે. પરંતુ હાલ પૂરતું, એવું લાગે છે કે, નાના વિક્ષેપોને બાદ કરતા, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ રવિવારે પૂર્ણ થશે. જોકે, ICC એ આ ટાઈટલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે, જે સોમવાર, 3 નવેમ્બર છે. જો આ બે દિવસમાં ફાઈનલનો નિર્ણય લેવામાં નહીં આવે, તો ભારત અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે

(11:29 PM IST)