હજુ પણ રૂ. 2000ની રૂ.પ૮૧૭ કરોડની ચલણી નોટ લોકોના કબજામાં
રિઝર્વ બેંક દ્વારા મે-ર૦ર૩માં ર હજારની ચલણી નોટ પાછી ખેંચવામાં આવી હતીઃ અત્યાર સુધીમાં ૩.પ૬ લાખ કરોડની કરન્સી જમા

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક દ્વારા મે 2023માં રૂ. 2,000ની ચલણી નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે લોકોને ચલણી નોટ જમા કરાવવા માટેની સુવિધા અને સમય પણ આપવામાં આવ્યો હતો.
જોકે, હજુ સુધી રૂ. 2000ની અનેક ચલણી નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા થઈ નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જમા ન થયેલી રૂ. 2000ની ચલણી નોટનો ચોંકાવનારો આંકડો જાહેર કર્યો છે.
મે 2023માં RBI દ્વારા કુલ રૂ. 3.56 લાખ કરોડ રકમની રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવામાં આવી હતી. આ પૈકી કેટલી ચલણી નોટ જમા કરવામાં આવી છે, એ અંગે RBIએ આંકડા જાહેર કર્યા છે. RBI દ્વારા જાહેર કરાયેલા 31 ઓક્ટોબર, 2025 સુધીના આંકડા મુજબ, રૂ. 3.50 લાખ કરોડની રકમની રૂ. 2000ની ચલણી નોટ જમા થઈ ગઈ છે.
જ્યારે રૂ. 5,817 કરોડની રકમની રૂ. 2000ની નોટ હજુ પણ જનતાના કબજામાં છે. જેના પરત આવવાની રાહ જોવાઈ રહી છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી રૂ. 2000ની બાકીની નોટો સંપૂર્ણપણે પરત ન આવે ત્યાં સુધી તે કાયદેસર ચલણ તરીકે યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે, મે 2023માં રૂ. 2000ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત પછી, RBI એ લોકોને 7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં નોટો બદલવાની સુવિધા આપી હતી. જોકે, હવે આ પ્રક્રિયા માત્ર 19 RBI ઑફિસો સુધી મર્યાદિત કરવામાં આવી છે.
જેમાં અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ઈ-ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, ઈ-નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમની RBI ઑફિસનો સમાવેશ થાય છે. આ સિવાય કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની કોઈપણ પોસ્ટ ઑફિસ દ્વારા અથવા ઈન્ડિયા પોસ્ટ મારફતે રૂ. 2000ની ચલણી નોટને RBIની કોઈપણ જારી કરતી ઑફિસમાં મોકલી શકે છે, જેથી તે રકમ તેમના બેંક ખાતામાં જમા થઈ શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
