<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

અભિનેતા પંકજ ત્રિપાઠીની માતાનું નિધન : કલાકાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો : ૮૯ વર્ષની વયે હેમવંતી દેવીએ અંતિમ શ્વાસ લીધા

લાંબા સમયથી બીમાર માતાના અંતિમ સમયમાં પંકજ ત્રિપાઠી વતન બિહારમાં હાજર : પરિવારે દુ:ખ વ્યક્ત કરી ગોપાલગંજમાં અંતિમ સંસ્કાર કર્યા : ગોપનીયતા જાળવવા મીડિયાને વિનંતી

નવી દિલ્હી : બોલિવૂડ અને OTT પ્લેટફોર્મના લોકપ્રિય અભિનેતા પંકજ ત્રિપાઠીને અચાનક મોટો આઘાત લાગ્યો છે. ૮૯ વર્ષની વયે તેમના માતા હેમવંતી દેવીનું નિધન થયું છે, જેના કારણે પંકજ ત્રિપાઠીના સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પંકજ ત્રિપાઠી હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. શુક્રવારે, તેમના વતન બેલસંડ, ગોપાલગંજ, બિહાર ખાતે તેમના માતા હેમવંતી દેવીનું નિધન થયું હતું.
પંકજની ટીમે મીડિયાને જણાવ્યું કે તેમના માતા ઊંઘમાં શાંતિપૂર્વક આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ટીમના નિવેદન મુજબ, માતાના અંતિમ પળોમાં પંકજ ત્રિપાઠી તેમની સાથે હાજર હતા. માતા લાંબા સમયથી બીમાર હતા.
શનિવારે તેમના વતન ગોપાલગંજમાં નજીકના પરિવાર, સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં હેમવંતી દેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પરિવારનું સત્તાવાર નિવેદન
પંકજ ત્રિપાઠીના પરિવારે આ મામલે એક નિવેદન પણ જારી કર્યું છે, જેમાં લખ્યું છે:
> "ત્રિપાઠી પરિવાર આ અપાર દુ:ખની ઘડીમાં છે અને સૌને નમ્ર વિનંતી કરે છે કે હેમવંતી દેવીને પોતાની યાદો અને પ્રાર્થનાઓમાં સ્થાન આપે. પરિવાર મીડિયા અને શુભેચ્છકોને આ દુ:ખની ઘડીમાં તેમની ગોપનીયતાનું સન્માન કરવા અને તેમને શાંતિથી શોક વ્યક્ત કરવા માટે સમય આપવાની અપીલ કરે છે."
> 
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા જ અભિનેતા પંકજ ત્રિપાઠીએ તેમના પિતાને પણ ગુમાવ્યા હતા.

 

(6:59 PM IST)