<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

મહિલા વર્લ્ડ કપ જીતવા છતાં ભારતને ૧૧ કિલો સોના-ચાંદીની અસલી ટ્રોફી કાયમ માટે નહીં મળે: તેના બદલે એક પ્રતિકૃતિ - રેપ્લિકા ટ્રોફી અપાશે

અત્યાર સુધી રમાયેલા ૧૩ મહિલા વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા ૭ વખત, ઇંગ્લેન્ડ ૪ વખત અને ન્યુઝીલેન્ડ ૧ વખત વિજેતા બન્યું છે: હવે આ યાદીમાં ભારતનું નામ પણ સુવર્ણ અક્ષરે જોડાઈ ગયું છે

મુંબઈ: હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી નવેમ્બરે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકાને ૫૨ રને પરાજય આપીને પ્રથમ વખત આઇસીસી મહિલા એકદિવસીય વિશ્વ કપનો ખિતાબ જીતી લીધો છે. જોકે, આઇસીસીના એક ખાસ નિયમ મુજબ, ભારતને અસલી ટ્રોફી કાયમ માટે નહીં મળે, તેના બદલે એક પ્રતિકૃતિ ટ્રોફી અપાશે.

 

 

આ ઐતિહાસિક જીત બાદ ઉજવણીમાં એક રસપ્રદ વળાંક એ છે કે ભારતીય ટીમને અસલી વિશ્વ કપ ટ્રોફી કાયમી ધોરણે રાખવા મળશે નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા લગભગ ૨૬ વર્ષ પહેલાં બનાવેલા એક ખાસ નિયમ મુજબ, વિજેતા ટીમને અસલી ટ્રોફી કાયમ માટે અપાતી નથી.

આ નિયમ ટ્રોફીને ચોરી અથવા કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવા માટે બનાવવામાં આવ્યો હતો. 

 

વિજેતા ટીમને માત્ર ફોટોશૂટ (તસવીર સત્ર) અને વિજય સરઘસ (વિક્ટરી પરેડ) માટે જ અસલી ટ્રોફી આપવામાં આવે છે. ત્યારબાદ, આ ટ્રોફીને આઇસીસીના દુબઈ ખાતેના મુખ્ય મથકે પરત મોકલી દેવામાં આવે છે. 

 

વિજેતા ટીમને કાયમી યાદગીરી રૂપે એક 'રેપ્લિકા' એટલે કે પ્રતિકૃતિ ટ્રોફી એનાયત કરવામાં આવે છે, જે દેખાવમાં બિલકુલ અસલી ટ્રોફી જેવી જ હોય છે.

 

ટ્રોફી પર પહેલીવાર કોતરાશે 'ભારત'નું નામ

આ શાનદાર ટ્રોફી સોના અને ચાંદીમાંથી બનેલી છે, જેનું વજન આશરે ૧૧ કિલો અને ઊંચાઈ આશરે ૬૦ સેમી છે. તેના પર અત્યાર સુધીના તમામ વિજેતા ટીમોના નામ કોતરેલા છે. હવે પહેલીવાર આ ટ્રોફી પર ગર્વભેર 'ભારત'નું નામ કોતરવામાં આવશે.

 

 

અત્યાર સુધી રમાયેલા કુલ ૧૩ મહિલા વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા ૭ વખત, ઇંગ્લેન્ડ ૪ વખત અને ન્યુઝીલેન્ડ ૧ વખત વિજેતા બન્યું છે. હવે આ યાદીમાં ભારતનું નામ પણ સુવર્ણ અક્ષરે જોડાઈ ગયું છે.

(9:32 AM IST)