<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

કેનેડા ભણવા જવું ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્‍કેલ બન્‍યું! ૮૦ ટકા અરજી નકારી કાઢવામાં આવી

નિયમો કડક બનાવવામાં આવ્‍યાઃ ઓગસ્‍ટ ૨૦૨૩માં ૩૨ ટકા હતો જે આ વર્ષે ઓગસ્‍ટ મહિનામાં ૭૪ ટકા થયો

 

ઓટાવા, તા.૪: ટ્રમ્‍પ રાષ્‍ટ્રપતિ બન્‍યા બાદ યુએસમાં ઈમિગ્રેશનના નિયમો કડક બનવવામાં આવ્‍યા છે, જેને કારણે યુએસમાં અભ્‍યાસ કે કામ કરવા જવા ઇચ્‍છતા હજારો ભારતીયોને અસર પહોંચી છે. જેને કારણે ભારતીયો કેનેડા તરફ નજર રાખી રહ્યા છે, પરંતુ કનેડા તરફથી ભારતીયોની અરજી નકારવામાં આવી રહી છે.

એક અહેવાલ મુજબ ઓગસ્‍ટમાં કેનેડિયન શૈક્ષણિક સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરવા માટે ભારતીયો દ્વારા કરવામાં આવેલી લગભગ ૭૫% અરજીઓ નકારી કાઢવામાં આવી છે. કનેડા સરકારના ડેટા અનુસાર, આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવેલા નવા પ્રતિબંધોની સૌથી વધુ અસર ભારતના અરજદારો પર થઇ છે.

ભારત અને કેનેડા વચ્‍ચે છેલ્લા ઘણાં સમયથી રાજદ્વારી તણાવ ચાલી રહ્યો છે, હાલ સંબંધો સુધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્‍યારે આ ઉંચો રિજેક્‍શન રેટ ચિંતાજનક છે.

નોંધનીય છે કે, કેનેડા સરકાર ટૂંકા ગાળાનું ઈમિગ્રેશન રોકવા અને સ્‍ટુડન્‍ટ વિઝામાં છેતરપિંડીને ઘટાડવા માટે પગલા ભરી રહી છે, જેના ભાગ રૂપે ૨૦૨૫ ની શરૂઆતમાં સતત બીજા વર્ષે આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થી પરમિટની સંખ્‍યામાં ઘટાડો કરવામાં આવ્‍યો છે. કેનેડાએ આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓની ચકાસણી પ્રક્રિયા કડક બનાવી છે અને અરજદારો માટે ફાઇનાન્‍સિયલ રિક્‍વાયરમેન્‍ટમાં વધારો કર્યો છે.

કેનેડાની પોસ્‍ટ-સેકન્‍ડરી સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરવા માટે ભારતીયોની અરજી નકારવાનો દર ઓગસ્‍ટ ૨૦૨૩ માં ૩૨% હતો, આ વર્ષે ઓગસ્‍ટ મહિનામાં વધીને લગભગ ૭૪% થઇ ગયો છે.

આંકડા એ પણ દર્શાવે છે કે કેનેડામાં સ્‍ટડી પરમિટ માટે અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્‍યામાં પણ મોટો ઘટાડો થયો છે. ઓગસ્‍ટ ૨૦૨૩ માં ૨૦,૯૦૦ ભારતીયોએ કેનેડામાં સ્‍ટડી પરમિટ માટે અરજી કરી હતી, જે ઘટીને ઓગસ્‍ટ ૨૦૨૫ માં ૪,૫૧૫ થઈ ગઈ હતી.

કનેડાના ઇમિગ્રેશન વિભાગના જણાવ્‍યા મુજબ વર્ષ ૨૦૨૩ માં લગભગ ૧,૫૫૦ સ્‍ટડી એપ્‍લીકેશન માટે નકલી લેટર સબમિટ કરવામાં આવ્‍યા હતાં, જેમાંથી મોટાભાગની અરજીઓ ભારતથી આવી હતી.

ઓટાવામાં ભારતીય દૂતાવાસે રિજેક્‍શન રેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું કે ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓના નકારવાના દરમાં વધારો થયો હોવાની તેમણે જાણ છે, પરંતુ પરમિટ આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેનેડા પાસે છે. (રર.૧૭)

(3:49 PM IST)