<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ટ્રાન્સનેશનલ કોંગ્લોમરેટ ઊભું કરનાર અને બ્રિટનના સૌથી ધનિક પરિવાર 'હિંદુજા ગ્રુપ'ના ચેરમેન ગોપીચંદ પી હિંદુજાનું ૮૫ વર્ષની વયે લંડનમાં દુઃખદ નિધન

'જીપી' તરીકે જાણીતા શ્રી ગોપીચંદે ૧૯૫૦માં ફેમિલી બિઝનેસ સંભાળીને વૈશ્વિક ઓળખ આપી : અશોક લેલેન્ડ અને ઇન્ડસઇન્ડ બેન્ક સહિત ૧૧ સેક્ટરમાં સામ્રાજ્ય : ૩૨.૩ અબજ પાઉન્ડની સંપત્તિ ધરાવતો પરિવાર શોકમાં

લંડન, સોમવાર, ૦૩ નવેમ્બર, ૨૦૨૫ : ભારતીય મૂળના અને બ્રિટનના સૌથી ધનિક પરિવાર તરીકે ગણાતા હિંદુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી. હિંદુજાનું ૮૫ વર્ષની વયે લંડનની હોસ્પિટલમાં નિધન થયું છે. ગોપીચંદ હિંદુજા ચાર હિંદુજા ભાઈઓમાંથી બીજા હતા. તેમના મોટા ભાઈ શ્રીચંદ હિંદુજાનું ગત વર્ષે (૨૦૨૩)માં નિધન થયું હતું. ગ્રુપના અન્ય બે ભાઈઓ પ્રકાશ હિંદુજા અને અશોક હિંદુજા છે.
'જીપી'ની વ્યાવસાયિક સફર
વ્યાપાર જગતમાં 'જીપી' તરીકે જાણીતા ગોપીચંદ હિંદુજા ૧૯૫૦માં પારિવારિક વ્યવસાય સાથે જોડાયા હતા. તેમને કંપનીને ઈન્ડો-મિડલ ઈસ્ટ ટ્રેડિંગ ઓપરેશનમાંથી ટ્રાન્સનેશનલ કોંગ્લોમરેટમાં પરિવર્તિત કરવાનો શ્રેય આપવામાં આવે છે.
તેઓ બોમ્બેની જય હિંદ કોલેજના સ્નાતક હતા અને કંપનીની વેબસાઈટ મુજબ, યુનિવર્સિટી ઓફ વેસ્ટમિનસ્ટર અને રિચમંડ કોલેજમાંથી તેમને માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી હતી.
હિંદુજા ગ્રુપ ઓટોમોટિવ, બેન્કિંગ અને ફાઇનાન્સ, આઇટી, હેલ્થકેર, રિયલ એસ્ટેટ, પાવર અને મીડિયા અને મનોરંજન સહિત ૧૧ સેક્ટરમાં વ્યાપાર ધરાવે છે. તેમની જાણીતી બ્રાન્ડ્સમાં અશોક લેલેન્ડ, ઇન્ડસઇન્ડ બેન્ક અને NXTDIGITAL લિમિટેડનો સમાવેશ થાય છે.
બ્રિટનના સૌથી ધનિક પરિવારના વડા
૨૦૨૫ની સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં ગોપીચંદ હિંદુજાના પરિવારને ૩૨.૩ બિલિયન પાઉન્ડની નેટવર્થ સાથે યુકેમાં સૌથી ધનિક પરિવાર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.
જોકે, હિંદુજા પરિવાર ૨૦૨૧માં એક મોટા વિવાદને કારણે પણ ચર્ચામાં આવ્યો હતો, જે લંડનની કોર્ટરૂમ સુધી પહોંચ્યો હતો. શ્રીચંદ હિંદુજાની પુત્રીઓ વિનુ અને શાનુએ તેમના ત્રણ કાકાઓ પર તેમને ફંડિંગ અને નિર્ણય લેવામાંથી બાકાત રાખવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે, શ્રીચંદ હિંદુજા (એસપી) ડિમેન્શિયાથી પીડિત હતા.
પોતાની ભત્રીજીઓના આરોપોનો જવાબ આપતાં ગોપીચંદ, પ્રકાશ અને અશોકે ૨૦૧૩માં ચાર ભાઈઓ વચ્ચે થયેલા એક કરારનો હવાલો આપ્યો હતો, જે મુજબ "બધું બધાનું છે અને કશું કોઈનું નથી". આનાથી પારિવારિક વિવાદ વધુ વકર્યો હતો.

(4:58 PM IST)