News of Wednesday, 5th November 2025
મામેરૂઃ સવા કિલો ચાંદી, ૩૧ તોલા સોનું અને ૧.૧૧ કરોડ રોકડા
ભાણેજના લગ્નમાં મામાએ વટ પાડી દીધો, બહેનને આપ્યું શાહી મામેરૂઃ રાજસ્થાનના બીકાનેરનું શાહી મામેરું હાલ ભારે ચર્ચામાં

બીકાનેર તા.૫: ભાણેજના લગ્નમાં મામેરું આપવાની પરંપરા સદીઓ જૂની છે. દેશભરમાં અલગ અલગ જગ્યાએ આ પરંપરાને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં તેને માયરા તરીકે ઓળખવામાં આવે છે. મામેરાની વિધિ લગ્નમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન ભાઈ પોતાની બહેનને ભેટ સોગાદો આપે છે. રાજસ્થાનના બીકાનેરનું શાહી મામેરું હાલ ભારે ચર્ચામાં છે. બીકાનેરના નોખામાં બે મામાએ મળીને પોતાના ભાણેજના લગ્નની મામેરા વિધિમાં એવી ભારે ભરખમ રકમ આપી કે, જોવા વાળા મોંઢામાં આંગળા નાખી ગયા.
મામેરામાં નોટોના બંડલ જોઈને મહેમાનોની આંખો ફાટી ગઈ. જોતજોતામાં આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ. મામેરામાં આવડી મોટી રકમ આપવી દરેકના ગજાની વાત નથી. આ શાહી મામેરા બાદ લોકો કહી રહ્યાં છે કે, ભગવાન આવા મામા બધાને આપે.
મામેરૂ ભરનાર મામા ભંવર લેઘાએ જણાવ્યું કે, બે ભાણેજના લગ્નમાં તેઓએ મામેરામાં એક કરોડ ૧૧ લાખ રૂપિયા રોકડા, સવા કિલો ચાંદી અને ૩૧ તોલા સોનું આપ્યું છે, જેની કિમત આશરે ૪૫ લાખ રૂપિયા છે. મામેરામાં આટલી મોટી રકમ આપનાર બંને શખ્સ જેપી કન્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના સંચાલક ભંવર લેઘા અને જગદીશ લેઘા છે. તેઓનું કહેવું છે કે, તેમના પરિવારનું આ પહેલું મામેરું હતું. તેઓની મોટી બહેન મીરાના બે દીકરાના લગ્ન છે. બંને ભાઈઓએ મળીને આ મામેરું ભર્યું છે.
બીકાનેરમાં ભરાયેલું આ દોઢ કરોડના મામેરાની ચર્ચા હવે આખા રાજ્યમાં થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ મામેરાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામેરામાં સામેલ લોકોએ કહ્યું કે, આ કોઈ દેખાડો નથી, પરંતુ પરિવાર અને પરંપરા પ્રત્યે સન્માનનું પ્રતીક છે. ભાણેજો પ્રત્યે મામાનો આ પ્રેમ ભારે ચર્ચામાં છે.(૩૮.૨)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
