તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
રેપ કેસમાં મહિલા DSPને સુપ્રીમનો સવાલઃ પહેલા કુંડળી કેમ મેળવી નહીં?
એસપીએ લગ્ન કરવાનો ઈનકાર કરતાં તેની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરી

નવી દિલ્હી તા.૬: લગ્નનું વચન આપી શારીરિક સંબંધો બાંધનારા એક પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (એસપી) સામે બળાત્કારનો કેસ કરનારા મહિલા ડે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (ડીએસપી)ના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અચરજ પમાડે તેવી ટિપ્પણી કરી હતી.
મહિલા ડીએસપીએ એક એસપી વિરુદ્ધ લગ્નનું વચન આપી શારીરિક સંબંધો બાંધ્યા બાદ જન્મકુંડળી નહીં મળતી હોવાનું કહીને લગ્નનો ઈનકાર કરનારા એસપી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. જાસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જે.બી. પારડીવાલાની બેન્ચે પીડિત મહિલાના વકીલને પૂછ્યું હતું કે ફરિયાદ કયા આધારે કરી હતી. જેના જવાબમાં વકીલે કહ્યું કે લગ્નનું વચન આપીને આરોપીએ તેમના અસીલ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આથી બેન્ચે સામો સવાલ કરતાં કહ્યું કે, તમારું કહેવું છે કે તમે માત્ર તેમના વચનો પર વિશ્વાસ કરીને તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યાં હતા. જેથી મહિલા ડીએસપીના વકીલે કહ્યું કે આરોપીએ જ સંબંધો બાંધવા કહ્યું હતું, પરંતુ પાછળથી તેણે લગ્નનો ઈનકાર કરી દીધો હતો. આથી બેન્ચે સવાલ કર્યો કે આરોપીએ લગ્ન કરવાનો ઈનકાર કેમ કર્યો હતો? જેથી વકીલે કહ્યું કે બંનેની કુંડળી મળતી નહોતી. જેથી જાસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે, એવું લાગે છે કે, તમે જ્યોતિષની સલાહ લેવામાં બહું મોડું કર્યું. આ મહત્વનો મુદ્દો છે. જો તમારા ગ્રહો મળતાં ના હોય તો તમારું લગ્નજીવન પણ સારી રીતે નહીં ચાલી શકે. આવા સંજોગોમાં તમારે સંબંધોની શરૂઆત કરતાં પહેલાં જ કુંડળીઓ મેળવવાની જરૂર હતી. આ મામલામાં આરોપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ(એસપી) અને પીડિત મહિલા ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બંને વર્ષ ૨૦૧૪માં એક જ જિલ્લામાં કાર્યરત હતા. સુપ્રીમ કોર્ટે બંનેને સંબંધોનું સુખદ સમાધાન લાવવા માટે કહ્યું છે. આ કેસને પટણા હાઈકોર્ટે વર્ષ ૨૦૨૪માં રદ કર્યો હતો, ત્યાર પછી પીડિત મહિલા સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. મહિલા(ડીએસપી)ની ઉંમર ૪૦ વર્ષની છે, જ્યારે આરોપી(એસપી) મહિલા કરતાં સાત વર્ષ નાનો હતો. સુપ્રીમે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના પૂર્વ ચીફ જાસ્ટિસ ગીતા મિત્તલને મધ્યસ્થી નિયુક્ત કર્યા છે.(૩૮.૧૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
