<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

બિહારમાં 'બમ્પર મતદાન': પહેલા તબક્કામાં ૬૪.૪૬% મતદાનનો નવો રેકોર્ડ!

૧૮ જિલ્લાની ૧૨૧ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ: તેજસ્વી, સમ્રાટ ચૌધરી, મૈથિલી ઠાકુર સહિત દિગ્ગજોનું ભવિષ્ય EVMમાં કેદ

પટણા બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૮ જિલ્લાઓની ૧૨૧ બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, આ તબક્કામાં અત્યાર સુધીમાં ૬૪.૪૬ ટકા મતદાન નોંધાયું છે, જે બિહારના ચૂંટણી ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. મતદાનનો આ ઊંચો આંકડો એ વાતનો સંકેત છે કે બિહારના મતદારોએ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.

પ્રથમ તબક્કામાં અનેક દિગ્ગજ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે, જેમાં આરજેડીના તેજસ્વી યાદવ (રાઘોપુર), તેજ પ્રતાપ યાદવ (મહુઆ), ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી (તારાપુર), અને ભાજપના ઉમેદવાર ગાયિકા મૈથિલી ઠાકુર (અલીનગર) નો સમાવેશ થાય છે. બેગુસરાયમાં સૌથી વધુ ૬૭.૩૨ ટકા મતદાન નોંધાયું, જ્યારે શેખપુરામાં સૌથી ઓછું ૫૨.૩૬ ટકા મતદાન થયું.

મતદાન પર વિવાદ: મતદાન શાંતિપૂર્ણ રહ્યું હોવા છતાં, રઘુનાથપુર બેઠકના ઉમેદવાર ઓસામાના મૂળ ગામ પ્રતાપપુરમાં કેટલાક મતદારોએ આરોપ લગાવ્યો હતો કે તેમના યાદવ અને મુસ્લિમ હોવાના કારણે તેમને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. જોકે, ચૂંટણી પંચે સમગ્ર પ્રક્રિયા દરમિયાન મતદાન મથકો પર સર્વેલન્સ કેમેરા અને લાઇવ વેબકાસ્ટિંગ દ્વારા ચુસ્ત નજર રાખી હતી. હવે, બીજા તબક્કાનું મતદાન ૧૧ નવેમ્બરે થશે, અને પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

(11:10 PM IST)