<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

છત્તીસગઢ અકસ્માત: રેલ્વે તંત્રની ઘોર બેદરકારી: મનોવૈજ્ઞાનિક કસોટીમાં નાપાસ થયેલા લોકો પાયલટને સોંપી દેવાઈ હતી પેસેન્જર ટ્રેન!

સનસનીખેજ ખુલાસો: તપાસમાં સામે આવ્યું કે અધિકારીઓએ નિયમો તોડીને ૧૧ મુસાફરોનો ભોગ લીધો; ૬ નવેમ્બરના રોજ CRS દ્વારા અધિકારીઓની કલાકો સુધી પૂછપરછ.

બિલાસપુર: છત્તીસગઢના બિલાસપુરમાં ૪ નવેમ્બરના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં ૧૧ નિર્દોષ મુસાફરોના મોત થયા હતા, જેના મુખ્ય કારણ તરીકે રેલ્વે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. રેલ્વે તપાસમાં ખુલાસો થયો છે કે, MEMU લોકલ ટ્રેનના લોકો પાઇલટ વિદ્યાસાગર રેલ્વેના મનોવૈજ્ઞાનિક પરીક્ષણમાં નાપાસ થયા હોવા છતાં, તેમને પેસેન્જર ટ્રેન ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી! નિયમો મુજબ, માલગાડીમાંથી પેસેન્જર ટ્રેનના ડ્રાઇવર તરીકે બઢતી મેળવનાર માટે આ પરીક્ષણ પાસ કરવું ફરજિયાત છે, જે માનસિક સંતુલન અને કટોકટીમાં નિર્ણય લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. આ નિયમની અવગણના કરનારા જવાબદાર અધિકારીઓ સામે હવે રેલ્વે સેફ્ટી કમિશનર (CRS) દ્વારા કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

૬ નવેમ્બરના રોજ CRS બી.કે. મિશ્રા દ્વારા DRM ઓફિસમાં આખો દિવસ પૂછપરછનો દોર ચાલ્યો હતો, જેમાં ૧૦થી વધુ વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓની વ્યક્તિગત રીતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં ઘટના સમયે એરિયા બોર્ડના ઇન્ચાર્જ, કંટ્રોલર્સ અને અકસ્માત સ્થળે બચાવ કામગીરી માટેના ART (એક્સિડેન્ટ રીલીફ ટ્રેન) તથા ARMV (એક્સિડેન્ટ રીલીફ મેડિકલ વાન)ના ઇન્ચાર્જની હાજરી અને તૈયારીઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. અકસ્માત પાછળ ઓટો-સિગ્નલિંગ સિસ્ટમમાં ખામી અને ટેકનિકલ સમસ્યાઓ હોવાનું પણ માનવામાં આવે છે, પરંતુ નાપાસ પાયલટને ટ્રેન સોંપવાની ગંભીર વહીવટી બેદરકારીએ આ અકસ્માતને વધુ ઘાતક બનાવ્યો છે.

(5:48 PM IST)