News of Friday, 7th November 2025
હોલીવુડના સૌથી મોટા છૂટાછેડાનો નવો વળાંક: બ્રેડ પિટે એન્જેલીના જોલી પર ₹૨૯૦ કરોડનો કર્યો દાવો!
પૂર્વ દંપતી ફ્રેન્ચ વાઇનરી 'ચેટો મીરાવલ'ના વેચાણને લઈને ફરી કાનૂની લડાઈમાં ફસાયા; પિટે જોલી પર અંગત મુદ્દાઓનો બદલો લેવાનો લગાવ્યો આરોપ

લોસ એન્જલસ: હોલીવુડનું એક સમયનું સૌથી આકર્ષક કપલ, બ્રેડ પિટ અને એન્જેલીના જોલી (બ્રેન્જેલીના), સત્તાવાર રીતે અલગ થયા હોવા છતાં તેમની કાનૂની લડાઈ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. હવે, આ વિવાદ વધુ ગરમાયો છે, કારણ કે બ્રેડ પિટે તેની પૂર્વ પત્ની એન્જેલીના જોલી સામે આશરે $૩૫ મિલિયન (લગભગ ₹૨૯૦ કરોડ)નો મોટો દાવો દાખલ કર્યો છે.
આ કાનૂની લડાઈનું મુખ્ય કારણ ફ્રાન્સમાં આવેલી તેમની સહ-માલિકીની વૈભવી વાઇન કંપની 'ચેટો મીરાવલ' છે. બ્રેડ પિટે કોર્ટમાં નવા દસ્તાવેજો રજૂ કર્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એન્જેલીનાએ ૨૦૨૧માં કંપનીમાં પોતાનો હિસ્સો વેચી દીધો હતો, જે તેમની વચ્ચેના ગુપ્ત કરારનું ઉલ્લંઘન છે. પિટની કાનૂની ટીમનો આરોપ છે કે એન્જેલીનાએ અંગત મુદ્દાઓનો બદલો લેવા માટે જાણી જોઈને આ સોદો કર્યો હતો.
બીજી તરફ, એન્જેલીના જોલીની કાનૂની ટીમે આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે અને બ્રેડ પિટ પર તેણીને હેરાન કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. હોલીવુડના આ ભૂતપૂર્વ દંપતી વચ્ચેની આ લડાઈ દર્શાવે છે કે છૂટાછેડા પછી પણ તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી અને હવે તેમની સંપત્તિનો વિવાદ કોર્ટની બહાર સમાપ્ત થાય તેવું લાગતું નથી.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
