હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહાર ચૂંટણીમાં મોટો વિવાદ: લોજપ સાંસદ શામ્ભવી ચૌધરીએ બે વાર મત આપ્યો? બે આંગળીઓ પર શાહીવાળા ફોટા વાયરલ; કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો
તેમના બે અલગ-અલગ આંગળીઓ પર શાહી લગાવેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના સમસ્તીપુરના સાંસદ શામ્ભવી ચૌધરી વિવાદમાં ફસાયા છે.
તેમના બે અલગ-અલગ આંગળીઓ પર શાહી લગાવેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના આધારે કોંગ્રેસ અને આરજેડીએ તેમના પર બે વાર મત આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના ગઇકાલે (૬ નવેમ્બર) યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાન બાદ એક મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની પાર્ટી લોજપ (રામવિલાસ) ના સમસ્તીપુરના યુવા સાંસદ શામ્ભવી ચૌધરી પર બે વખત મતદાન કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર વાયરલ થયેલા કેટલાક ફોટા અને વીડિયોથી થઈ હતી. આ ફોટાઓમાં સાંસદ શામ્ભવી ચૌધરી તેમની બે અલગ-અલગ આંગળીઓ પર મતદાનની શાહી લગાવેલી બતાવતા જોવા મળે છે. એક ફોટામાં તેમના ડાબા હાથની તર્જની પર અને બીજામાં જમણા હાથની આંગળી પર શાહી દેખાઈ રહી છે.
આ ફોટા જાહેર થતાં જ વિપક્ષી દળો કોંગ્રેસ અને આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) એ આ મુદ્દાને ઉઠાવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત સહિત અનેક નેતાઓએ આ ફોટા શેર કરીને શામ્ભવી ચૌધરી પર "લોકતંત્રની મજાક" ઉડાવવાનો અને "ફ્રોડ વોટિંગ" કરવાનો આરોપ લગાવ્યો.
એક વાયરલ વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે મીડિયા દ્વારા તેમને આંગળી પરની શાહી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમની સાથે ઉભેલા તેમના પિતા અને બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરી તેમને આંખથી ઈશારો કરતા જોવા મળ્યા હતા.
વિપક્ષી નેતાઓએ આ મામલે સીધા ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે એક જ સાંસદ બે અલગ અલગ મત કેવી રીતે આપી શકે અને આ ગંભીર બેદરકારી કે ગેરરીતિ માટે કોણ જવાબદાર છે.
જોકે, શામ્ભવી ચૌધરી કે તેમની પાર્ટી તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ આ ઘટનાને પગલે બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
