<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ઉત્તર ભારતમાં પારો ગગડ્યો: દિલ્હીમાં ધુમ્મસ: તામિલનાડુ-કેરળમાં ભારે વરસાદ માટે 'યલો એલર્ટ'

ચોમાસાની વિદાય બાદ પણ દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગે તામિલનાડુ, પુડુચેરી અને કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' જારી કર્યું છે. બીજી તરફ, પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

 

દેશભરમાં અત્યારે હવામાનની વિરોધાભાસી સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વ ચોમાસું સક્રિય થવાના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ આગામી ૪૮ કલાક માટે તામિલનાડુ, પુડુચેરી, કારાઈકલ અને કેરળના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. આ વિસ્તારો માટે 'યલો એલર્ટ' જારી કરીને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

 

આનાથી તદ્દન વિપરીત, ઉત્તર ભારતના રાજ્યો ઠંડીની લપેટમાં આવી ગયા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્તારો પર પડી છે.

 

પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના ઘણા શહેરોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. 

 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ વહેલી સવારે અને સાંજે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ધુમ્મસ છવાઈ રહ્યું છે, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના મતે, આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર હજુ વધશે.

(9:52 AM IST)