<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા!

શ્રીનગરમાં પણ આતંકી કાવતરું પકડાયું: 3 શખ્સો હથિયારો સાથે ઝડપાયા.

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ બે અલગ-અલગ ઓપરેશનમાં આતંકવાદીઓની ગતિવિધિઓને મોટો ફટકો આપ્યો છે. કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર સેનાએ ઘૂસણખોરીના એક પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે અને બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા છે.

સેનાની શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે માહિતી આપી કે ગુપ્ત બાતમીના આધારે કુપવાડાના કેરન સેક્ટરમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાના સતર્ક જવાનોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈને આતંકવાદીઓને પડકાર ફેંક્યો, જેના પછી થયેલા એન્કાઉન્ટરમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

શ્રીનગરમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ: આ દરમિયાન, શ્રીનગરમાં પોલીસે શુક્રવારે એક મોટી સફળતા મેળવીને આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે કોનાખાન દાલગેટના મમતા ચોક નજીક નિયમિત વાહન તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી.

ધરપકડ કરાયેલા લોકોની ઓળખ શાહ મુતૈયબ, કામરાન હસન શાહ (બંને શ્રીનગરના) અને મોહમ્મદ નદીમ (યુપીના મેરઠનો રહેવાસી) તરીકે થઈ છે. પોલીસને તેમની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને નવ જીવતા કારતૂસ મળી આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ જપ્ત કરાયેલા શસ્ત્રોનો ઉપયોગ કરીને વિસ્તારમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

 

(7:49 PM IST)