News of Saturday, 8th November 2025
દિલ્હી બાદ હવે કાઠમંડુના એરપોર્ટ પર ટેક્નિકલ ખામી: ફ્લાઇટ્સનું સંચાલન ખોરવાયું!
ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે લાઇટિંગમાં સમસ્યા, ઓછામાં ઓછી 5 ફ્લાઇટ્સ સ્થગિત

કાઠમંડુ: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં મોટો વિક્ષેપ આવ્યાના એક જ દિવસ બાદ, હવે નેપાળની રાજધાની કાઠમંડુના મુખ્ય એરપોર્ટ પર પણ આવી જ તકનીકી ખામી સર્જાઈ છે. નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સાંજે 5:30 વાગ્યે તકનીકી સમસ્યાઓનો અનુભવ થયો, જેના કારણે ફ્લાઇટ્સના સંચાલનને અસર થઈ છે.
અહેવાલો અનુસાર, એરપોર્ટના રનવેની એરફિલ્ડ લાઇટિંગ સિસ્ટમમાં ખામી મળી આવી છે. આ ખામીના કારણે ઓછામાં ઓછી પાંચ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે, અને આગળની બાકીની સુનિશ્ચિત ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ છે. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સ્થાનિકની સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું પણ સંચાલન કરે છે, જેના કારણે પ્રવાસીઓને અસુવિધા પડી રહી છે.
નોંધનીય છે કે, નેપાળના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ ટેક્નિકલ ખામી એવા સમયે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ દિલ્હી એરપોર્ટ પર ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં ખામીને કારણે લગભગ 800 ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હતી, જેને સુધારવામાં 15 કલાકથી વધુ સમય લાગ્યો હતો.
કાઠમંડુ એરપોર્ટ પરની ખામીને દૂર કરવા માટે અધિકારીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
