<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

'ધર્મનિરપેક્ષતા ખતરામાં,' : વંદે ભારત એક્સપ્રેસમાં RSS ગીત ગાવા પર વિવાદ: કેરળના CM પી. વિજયન ગુસ્સે!

સીએમએ દક્ષિણ રેલવેના અધિકારીઓની કાર્યવાહીને બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું

તિરુવનંતપુરમ : કેરળના મુખ્યમંત્રી પી. વિજયનએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં શાળાના બાળકો દ્વારા કથિત રીતે RSSનું ગીત ગાવાના બનાવ પર ઉગ્ર વાંધો ઉઠાવ્યો છે. આ ઘટના તાજેતરમાં શરૂ થયેલી એર્નાકુલમથી બેંગલુરુ જતી વંદે ભારત એક્સપ્રેસમાં બની હતી.

મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ રેલવેના અધિકારીઓએ શાળાના વિદ્યાર્થીઓને આ ગીત ગાવા માટે દબાણ કર્યું હતું. સીએમ વિજયને આ કાર્યવાહીની સખત નિંદા કરી છે.

સીએમ વિજયનના મુખ્ય આક્ષેપો: બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન: મુખ્યમંત્રીએ જણાવ્યું કે એક સત્તાવાર સરકારી કાર્યક્રમ દરમિયાન RSS ગીત ગાવાથી બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે, અને આ ગીત ધાર્મિક ઉન્માદને ઉશ્કેરે છે.

રાજકીય પ્રચાર: તેમણે આરોપ લગાવ્યો કે દેશના સૌથી મોટા જાહેર ક્ષેત્રના ઉપક્રમ, રેલ્વેનો ઉપયોગ રાજકીય પ્રચાર ફેલાવવા માટે થઈ રહ્યો છે, જે કોઈપણ રીતે અસ્વીકાર્ય છે.

હાસ્યાસ્પદ કાર્યવાહી: સીએમ વિજયને સોશિયલ મીડિયા પર RSS ગીતો અપલોડ કરીને તેને 'દેશભક્તિના ગીતો' તરીકે રજૂ કરવાને હાસ્યાસ્પદ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ ભારતીય રાષ્ટ્રીય ચળવળની મજાક ઉડાવવા સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજે રેલ્વે RSSના સાંપ્રદાયિક એજન્ડાને પ્રોત્સાહન આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના વારાણસીથી ઓનલાઈન કાર્યક્રમમાં એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. ટ્રેનમાં ચિત્ર સ્પર્ધા દ્વારા પસંદ કરાયેલા વિવિધ શાળાઓના બાળકો અને કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપી પણ સવાર હતા.

 

(10:49 PM IST)