<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

રેલવે મુસાફરો માટે ચેતવણી: નવેમ્બરમાં ૧૦ ટ્રેનો રદ, મુસાફરી પહેલાં ચેક કરો લિસ્ટ

રૂ. શાલીમાર સ્ટેશન પર રિમોડેલિંગનું કામ: મુંબઈ, ભુજ અને ઉદયપુર સહિતના રૂટ પર અસર, ૨૧ નવેમ્બર સુધી સ્થિતિ ચાલુ

નવી દિલ્હી: જો તમે નવેમ્બર મહિનામાં લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવાના હો, તો તમારા માટે આ સમાચાર ખાસ છે. રેલવે દ્વારા શાલીમાર સ્ટેશન યાર્ડમાં ચાલી રહેલા રિમોડેલિંગ અને રિપેરના મહત્ત્વપૂર્ણ કામને કારણે ૨૧ નવેમ્બર સુધી દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર ડિવિઝનમાંથી પસાર થતી ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે. રેલવે તંત્રએ આ કામ સુરક્ષિત રીતે સમયસર પૂર્ણ કરવા માટે કુલ ૧૦ એક્સપ્રેસ ટ્રેનો રદ કરી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર, આ કામગીરી ૮ નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધી ચાલુ રહેવાની છે. રદ કરાયેલી ટ્રેનોના લિસ્ટમાં પશ્ચિમ અને પૂર્વીય ભારતને જોડતી મહત્ત્વની ટ્રેનોનો સમાવેશ થાય છે. જેમાં મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ - શાલીમાર કુર્લા એક્સપ્રેસ (૧૮૦૩૦/૧૮૦૨૯), ગુજરાતને જોડતી ભુજ - શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (૨૨૮૩૦/૨૨૮૨૯), અને ઉદયપુર શહેર - શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (૨૦૯૭૧/૨૦૯૭૨) સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે, જે જુદી-જુદી તારીખો પર કેન્સલ રહેશે.
રદ થયેલી ટ્રેનો ઉપરાંત, કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવીને તેને સાંતરાગાછી સુધી ચલાવવામાં આવશે. આ ડાયવર્ટ કરાયેલી ટ્રેનોમાં મુંબઈથી શાલીમાર જતી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ (૧૨૧૦૧/૧૨૧૦૨) અને ગુજરાતના મુસાફરો માટે મહત્ત્વની પોરબંદર - શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (૧૨૯૦૫/૧૨૯૦૬) નો પણ સમાવેશ થાય છે, જે ૨૧ નવેમ્બર સુધી સાંતરાગાછી સ્ટેશનથી દોડશે અથવા ત્યાં સુધી જ આવશે.
રેલવેએ મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે તેમણે કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચવા માટે મુસાફરી કરતા પહેલા તેમની ટિકિટ અને ટ્રેનની વર્તમાન સ્થિતિ (Status) ચોક્કસપણે તપાસી લેવી. આ રિમોડેલિંગનું કામ લાંબા ગાળે મુસાફરોને વધુ સારી અને સુરક્ષિત રેલવે સેવા આપવા માટે જરૂરી છે.

 

(3:09 PM IST)