<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદાસ્પદ નિવેદન: "હિંદુઓની સેનાને પૈસા આપો, પાકિસ્તાન ઉડાવવાના કામમાં આવશે"

ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન યાત્રામાં જાણીતા કથાવાંચક અનિરુદ્ધાચાર્ય પણ જોડાયા: ૭ દિવસમાં ૧૭૦ કિમી પગપાળા ચાલીને વૃંદાવન પહોંચશે, બંને સંતો રસ્તા પર સાથે બેસીને ભોજન લેતા જોવા મળ્યા:પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ જાતિવાદને દૂર કરીને સમગ્ર હિંદુ સમાજને રાષ્ટ્રવાદના પ્લેટફોર્મ પર એકજૂટ કરવાનો: ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોને હિંદુ રાષ્ટ્ર બનાવવાની અને દરરોજ જીવનનો ૧ કલાક સનાતન ધર્મ માટે ફાળવવાની શપથ લેવડાવ્યા

હરિયાણા/દિલ્હી/વૃંદાવન: ‘બાગેશ્વર ધામ'ના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમની દિલ્હીથી વૃંદાવન સુધીની 'સનાતન હિંદુ એકતા પદયાત્રા' દરમિયાન આપેલા એક નિવેદનને કારણે ફરી વિવાદમાં ઘેરાયા છે.

હરિયાણામાં યાત્રાના બીજા દિવસે ભક્તોને સંબોધતા શાસ્ત્રીએ હિંદુ સમાજને સંગઠિત કરવાની અને 'હિંદુઓની સેના' ઊભી કરવાની અપીલ કરી હતી. તેમણે ભક્તોને આ સેના માટે દિલ ખોલીને પૈસા દાન કરવા જણાવ્યું હતું અને જાહેરાત કરી હતી કે, "આ પૈસા પાકિસ્તાન ઉડાવવાના કામમાં આવશે." આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારપૂર્વક કહ્યું કે દરેક હિંદુએ જાતિવાદથી ઉપર ઊઠીને સનાતન ધર્મ અને રાષ્ટ્રવાદ માટે એક થવું જોઈએ. ૧૦ દિવસની આ પદયાત્રાનો મુખ્ય હેતુ જાતિવાદ નાબૂદ કરવો અને હિંદુ રાષ્ટ્રના નિર્માણનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે, જે લગભગ ૧૭૦ કિલોમીટરનું અંતર કાપશે. શાસ્ત્રી અગાઉ પણ પાકિસ્તાનને પડકાર ફેંકતા કહી ચૂક્યા છે કે, "કશ્મીર તો લઈશું જ, દહેજમાં પાકિસ્તાન પણ ઉઠાવી લઈશું."

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 'સનાતન હિંદુ એકતા પદયાત્રા'માં જાણીતા કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહારાજ પણ જોડાયા છે.
આ બંને ધર્મગુરુઓ દિલ્હીથી વૃંદાવન સુધીની આ ૭ દિવસની પગપાળા યાત્રામાં સાથે ચાલી રહ્યા છે, જે આશરે ૧૭૦ કિલોમીટરનું અંતર કાપશે. યાત્રા દરમિયાન બંને સંતો રસ્તા પર સાથે બેસીને ભોજન લેતા જોવા મળ્યા હતા, જે એકતાનો સંદેશ આપે છે.

આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ જાતિવાદને દૂર કરીને સમગ્ર હિંદુ સમાજને રાષ્ટ્રવાદના પ્લેટફોર્મ પર એકજૂટ કરવાનો છે. અનિરુદ્ધાચાર્ય મહારાજે યાત્રામાં સામેલ થનારા આશરે ૨૫ લાખ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ લીધી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ દરમિયાન ભક્તોને હિંદુ રાષ્ટ્ર બનાવવાની અને દરરોજ જીવનનો ૧ કલાક સનાતન ધર્મ માટે ફાળવવાની શપથ પણ લેવડાવી હતી

(8:34 PM IST)